HCના હુકમને પોલીસ ઘોળીને પી ગઈ : આરોપી પોલીસ કર્મીઓ હોવા છતાં અજાણ હોવાનું નાટક

Views 65

મહિલા ક્રાઇમના ACP મીની જોસેફ પોતે મહિલા હોવા છતાં ગરીબ મહિલાની વેદના તેમને ન દેખાઈ

પોલીસની વર્ધીમાં આવેલા સરકારી ગુંડાઓએ ગર્ભવતી મહિલા પર કરેલા હિંચકારા હુમલાનો મામલો

 
પોલીસની વર્ધીમાં જ આવેલા સરકારી ગુંડાઓએ શાકની લારી ચલાવતી ગર્ભવતી મહિલા પાસે મફતમાં પાંચ કિલો સફરજન માગ્યા હતા. બોણી ન થઈ હોવાથી મહિલાએ મફતમાં સફરજન આપવાની ના પાડતા નશામાં ચૂર થયેલા નિકોલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓએ સત્તાનો દુરુપયોગ કરીને કાયદાના લીરેલીરાં ઉડાવીને નિઃસહાય ગર્ભવતી મહિલાના પેટ પર લાતો મારી હતી. આ કેસમાં હાઇકોર્ટે પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ નોંધવાનો હુકમ કરતા પોલીસે ફરિયાદ તો નોંધી લીધી, પરંતુ ઘરના જ ભૂવા અને ઘરના જ ડાકલા હોવાની કહેવતને સાર્થક કરતા આ કેસમાં ગરીબ પરિવારને ન્યાય મળે તેમાં કોઇ જ રસ નથી, જેથી હાઇકોર્ટના હુકમને પણ પોલીસ ઘોળીને પી ગઇ છે. હાઇકોર્ટે મહિલા એસીપી કે તેનાથી સુપિરિયર અધિકારીને તપાસ કરવાનો હુકમ કર્યો છે છતાં મહિલા ક્રાઇમના એસીપી મિની જોસેફ પણ કોઇ દબાણના વશ થઇને આ કેસમાં કોઇ પણ પ્રકારની પ્રગતિ કરી નથી. ભોગ બનનાર મહિલાને પોલીસ કર્મચારીને વાત કરીને કાર્યવાહી કરશે તેમ કહીને દિલાસો આપે પણ ૧૫થી પણ વધારે દિવસ થયા છતાં હજુ કોઇ જ પરિણામ આવ્યું નથી. નવાઇની વાત તો એ છે કે ઊલ્ટા ચોર કોટવાલ કો ડાલે જેવી સ્થિતિ આ કેસમાં થઇ રહી છે. આરોપી તરીકે પોલીસ કર્મચારીઓ જ છે આ અંગેની જાણ ખુદ પોલીસ અધિકારીઓને છે જ તેમ છતાં તેમને બચાવવા માટે પોલીસ મરણિયા પ્રયાસ કરી રહી છે. જ્યારે ઘટના ઘટી ત્યારે ગર્ભવતી મહિલાના પતિ અને તેની માતાને નિકોલ પોલીસ સ્ટેશનમાં લઇ જઇને માર મારવામાં આવ્યો હતો અને ખોટી રીતે રાયોટિંગનો ગુનો નોંધ્યો હતો. જે દીવા જેવી વાત છે. છતાં હજુ આરોપી પોલીસ કર્મચારીઓ કોણ છે તેનો ઉલ્લેખ ફરિયાદમાં નથી.
સરકાર એક તરફ સ્ત્રી સશક્તિકરણની વાતો કરી રહી છે. તેમજ મહિલાઓની સુરક્ષા માટે અનેક કાયદાઓ બનાવે છે અને બીજી તરફ એક ગરીબ મહિલાને પોલીસ અધિકારીઓ ગોળ-ગોળ ફેરવી રહ્યા છે. કાયદાની જાણકાર ન હોવા છતાં અભણ મહિલા હાઇકોર્ટના સિનિયર એડવોકેટ આનંદ યાજ્ઞિક તેમને ન્યાય અપાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ નગરોળ સરકાર કે તેમના પોલીસ અધિકારીઓને ભોગ બનનાર મહિલા સાથે જરાય પણ સંવેદનશીલતા હોય તેમ લાગતું નથી. નિકોલ વિસ્તારમાં રહેતા મુન્નીબહેન મહેશભાઇ પટણી ફૂટ અને શાકભાજીની લારી ચલાવીને પરિવારનું ગુજરાન કરે છે. વર્ષ 18 જાન્યુઆરીના રોજ સાંજના સમયે એક પોલીસવાનના કર્મચારીઓ ધ્વારા દારૂના નશામાં ધુત થઇને ગર્ભવતી મહિલાના પેટ પર લાતો મારીને દુનિયા જોયા પહેલાં જ બાળકને મારી નાખવાનો હિચકારો પ્રયાસ થયો હતો. હાઇકોર્ટે પણ ગંભીર નોંધ લીધી હોવા છતાં આરોપી પોલીસકર્મચારીઓને બચાવવામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓને આટલો બધો રસ કેમ છે તે બાબત લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ગર્ભવતી મહિલાના પર થયેલા હિંચકારા હુમલાના કેસમાં તેના મોબાઇલમાં પોલીસકર્મચારીઓનો વિડીયો પણ ઉતારી લીધો હતો. તે પણ નિકોલ પોલીસે લઇ લીધો હતો અને આજ દિન સુધી પોલીસનુ રાજ ખૂલી જાય એટલે પરત આપતી નથી.

HBN TFV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *