ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રાજકોટના એસ.આર.પી.એફ. ગૃપ-૧૩માં રૂ. ૨.૫૨ કરોડના ખર્ચે વિવિધ માળખાગત સુવિધાઓનું ઇ-લોકાર્પણ સંપન્ન

Views 57

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસને ફ્રી હેન્ડ એટલે છૂટોદોર આપવામાં આવ્યો છે. લોકડાઉન દરમિયાન લોકોમાં કોરોના સંક્રમણ ન ફેલાય તેવા હેતુથી જીવના જોખમે ગુજરાત પોલીસે કરેલી કામગીરી સરાહનીય છે. છેલ્લા સાત મહિનાથી પ્રજા અને વહીવટી તંત્રએ એકજૂટ થઈને ગુજરાતમાં કોરોનાના સંક્રમણ આગળ વધતું અટકાવવા મહત્વના પ્રયાસો કર્યા છે તેમ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટના એસ.આર.પી. ગૃપ-૧૩ના માળખાગત સુવિધાઓના ઇ-લોકાર્પણ પ્રસંગે ગાંધીનગરથી જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આજે ઘંટેશ્વર-રાજકોટના એસ.આર.પી.એફ. ગૃપ-૧૩માં રૂ. ૨.૫૨ કરોડના ખર્ચે વિવિધ માળખાગત સુવિધાઓનું ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકોટ ખાતે પૂરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા.
ઇ-લોકાર્પણમાં ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા રાજ્ય અનામત પોલીસ દળ જૂથ ૧૩ ખાતે નવનિર્મિત આર્મ્સ એન્ડ એમ્યુનેશન બિલ્ડિંગ, નવનિર્મિત કંપની, સ્ટોર રૂમ અને કિચન બ્લોકનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રીશ્રીએ નવરાત્રીની શુભેચ્છાઓ આપતાં જણાવ્યું હતું કે, રાજ્યના સર્વાંગી વિકાસ માટે કાયદો અને વ્યવસ્થા ખૂબ જરૂરી છે. દારૂબંધીનો કડક કાયદો, ગૌવંશ હત્યા, ચેન સ્નેચિંગ અટકાવવાનો કાયદો તેમજ તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં પસાર કરાયેલ ગુંડા એક્ટ અને જમીન અંગેના લેન્ડ ગ્રેબિંગ એક્ટ જેવા નવા કાયદાના કડક અમલથી ગુજરાતમાં વધુ શાંતિ, સુરક્ષા અને સલામતી સ્થપાશે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની સાથે ઇઝ ઓફ લિવિંગમાં પણ ગુજરાતના શહેરો-ગામો રહેવા લાયક બને તેવા પ્રયાસો કર્યા છે. તમામ ક્ષેત્રે સુરક્ષા અને સલામતીના પરિણામે ગુજરાતનો વિકાસ સોળે કળાએ ખિલ્યો છે.
તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત પોલીસ શાંતિ અને સુરક્ષામાં દેશમાં આગવી ઓળખ ધરાવે છે. ભુતકાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિથી લોકો ત્રાહિમામ હતા. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઇ મોદીએ શાસન ધૂરા સંભાળી ત્યાર પછી ગુજરાત હુલ્લડ મુક્ત બન્યું છે. ૨૪ કલાક કામ કરતી ગુજરાત પોલીસને યોગ્ય વાતાવરણ-સુવિધા મળી રહે તે માટે આધુનિક કચેરીઓ અને અગાઉ જે એક રૂમ, રસોડાનું આવાસ આપવામાં આવતું હતું જેમાં સુધારો કરીને હવે સુવિધા યુક્ત બે રૂમ, રસોડાવાળા આવાસો ઉપલબ્ધ કરાવ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, સામાજિક અંતર, માસ્ક, વારંવાર હાથ ધોવા અને સંક્રમિત લોકોને સમયસર યોગ્ય સારવારના પરિણામે ગુજરાતમાં રિકવરી રેટ વધીને લગભગ ૮૯ ટકા અને મૃત્યુદર ઘટીને સવા બે ટકા સુધી નીચે લાવી શક્યા છીએ. વૈજ્ઞાનિકોના મતે યોગ્ય સાવચેતી રાખીશું તો આગામી ફેબ્રુઆરી સુધીમાં કોરોના મહામારી દૂર થશે. છેલ્લા ચાર મહિનામાં અંદાજે રૂ. ૧૧,૦૦૦ કરોડના વિકાસ કામો કરીને કોરોનાના કારણે ગુજરાતે વિકાસ અટકવા દીધો નથી તેમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે ગાંધીનગર ખાતે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી સંગિતા સિંઘ, રાજ્ય પોલીસ વડા શ્રી આશિષ ભાટિયા, ગુજરાત પોલીસ આવાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર અને અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી હસમુખ પટેલ જ્યારે રાજકોટ ખાતે મેયરશ્રી બિનાબેન આચાર્ય, રેન્જ આઇ.જી. શ્રી સંદિપ સિંઘ, પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ ખાતેથી હથિયારી એકમોના અધિક પોલીસ મહાનિર્દેશક ડૉ. પી. કે. રોશને સ્વાગત પ્રવચન તેમજ એસ.આર.પી.એફ. ગૃપ-૧૩ના સેનાપતિ શ્રી ફાલ્ગુની પટેલે આભારવિધિ કરી હતી.
બ્યુરો રીપોર્ટ પંચમહાલ-ભાવિનભાઈ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *