અમદાવાદમાં ઘુમામાં રહેતા ૭૨ વર્ષના આરએસએસના કાર્યકરને સોમવારે વહેલી સવારે ઘુમા લાલગેબી આશ્રમ પાસેના મેદાનમાં દારૂના નશામાં જઇ રહેલા કારચાલકે કચડીને મોતને ઘાટ ઉતારી દીધાની ઘટના પ્રકાશમાં આવી હતી. કાર ચાલક અકસ્માત કરીને ફરાર થઈ ગયો હતો. ત્યારે પોલીસે આજે આ કેસમાં કાર ચાલક મયુર પટેલની ધરપકડ કરી છે. ઘુમામાં અકસ્માત બાદ તપાસ કરી રહેલ પોલીસને કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. અકસ્માત પહેલા દારૂની પાર્ટીના મયુર પટેલના ફોટો અને વિડીયો પણ પોલીસને મળ્યા હતા. જેના આધારે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.
ઘુમા હેપી હાઇટ્સ ખાતે રહેતા 72 વર્ષીય કાળુભાઇ રાખોડીયા આરએસએસના જુના કાર્યકર હતા. નિયમિત સવારે કાળુભાઇ લાલગેબી આશ્રમ પાસે યોજાતી આરએસએસની પ્રભાત શાખામાં જતા હતા. સોમવારે પણ કાળુભાઇ નિત્યતક્રમ મુજબ પહોંચ્યા હતા અને મેદાનમાં બેઠા હતા તે સમયે એક ફોર્ડ એન્ડેવર કાર ઝડપે આવી હતી અને કાળુભાઇને અથડાવીને ઝાડ સાથે અથડાઇ હતી. જેના કારણે તેમનું સ્થળ પર જ મોત થયું હતું. આ સમયે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તે દરમિયાન કારમાંથી એક યુવક નાસી ગયો હતો. જે બાદ મૃતક કાળુભાઇના પુત્ર ચંદ્રકેતુને જાણ કરતા તે આવી ગયો અને પોલીસ કંટ્રોલ રૂમમાં મેસજ કરીને જાણ કરવામાં આવી હતી.
પોલીસે કારના રજીસ્ટ્રેશન નંબરને આધારે તપાસ કરતા આ કાર ઘુમા સંતકબીર એન્કલેવ પાસે આવેલી શીવાલીક સોસાયટીમાં રહેતા મયુર પટેલના નામે રજીસ્ટ્રર્ડ હતી. તેમજ કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. પોલીસે મુયરના ઘરે તપાસ કરતા તે ત્યાં મળી આવ્યો નહોતો. બીજી તરફ પોલીસને મયુર પટલની દારૂની પાર્ટીના ફોટો પણ મળી આવ્યા હતા. જેમાં તેના મિત્રો સાથે દારૂ પીને ડાન્સ કરીને સેલ્ફી પડાવે છે. જે અકસ્માત થયો તેના પહેલાની પાર્ટીના ફોટો હોવાની શક્યતા છે. મયુર પટેલની છાપ સ્થાનિક વિસ્તારમાં માથાભારે યુવકની હોવાનું પણ જાણવા મળ્યું છે. આ અગાઉ પણ તેના વિરૂદ્વ ગુના નોંધાયાનું ખુલ્યુ છે. તેની ઓળખ નરસી ઉર્ફે ડાગરો તરીકે પણ છે. આ ઉપરાંત, પોલીસે કારનો રૂટ જાણવા માટે સીસીટીવી પણ તપાસ્યા હતા.