એઆઇએમઆઇએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ વિપક્ષથી અલગ મત વ્યક્ત કર્યો છે જેમાં તેમણે કહ્યું કે નવી સંસદનું ઉદ્ધાટન સ્પીકર ઓમ બીરલાએ કરવું જોઈએ.
- નવી સંસદને લઈને દેશમાં રાજકારણ ગરમાયું
- 19 જેટલા વિરોધ પક્ષોએ ઉદ્ઘાટન કાર્યક્રમનો બહિષ્કાર કર્યો
- ઓવૈસીએ કહ્યું, સ્પીકર ઓમ બિરલાએ કરવું જોઈએ ઉદ્ધાટન
- હકીકતમાં પીએમ મોદી 28મીએ કરવાના છે ઉદ્ધાટન
નવી સંસદને લઈને દેશમાં રાજકારણ ગરમાયું છે. 19 જેટલા વિરોધ પક્ષોએ ઉદ્ઘાટન કાર્યક્રમનો બહિષ્કાર કર્યો છે. 19 મેના રોજ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પીએમ નરેન્દ્ર મોદીને આ ભવનના ઉદ્ઘાટન માટે આમંત્રણ મોકલ્યું હતું, જે બાદ વિપક્ષનો વિરોધ શરુ થયો હતો.
વિપક્ષનું કહેવું છે કે પીએમ મોદીના હસ્તે નવી સંસદનું ઉદ્ધાટન થવું લોકશાહીની વિરૃદ્ધ છે અને તેને બદલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ નવી સંસદનું ઉદ્ધાટન કરવું જોઈએ.
ઓવૈસીએ વિપક્ષથી વિપરીત નિવેદન આપ્યું
એઆઇએમઆઇએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ ભાજપ અને અન્ય વિરોધ પક્ષો તરફથી અલગ નિવેદન આપ્યું છે. ઓવૈસીએ કહ્યું કે નવા સંસદ ભવનનું ઉદ્ધાટન પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિએ નહીં પરંતુ સ્પીકર ઓમ બિરલાએ કરવું જોઈએ. ઓવૈસીએ કહ્યું હતું કે નવી સંસદની જરૂર છે એ વાતથી કોઈ ઇન્કાર ન કરી શકે, કારણ કે હાલના સંસદ ભવનમાં ફાયર વિભાગની એનઓસી નથી. તેમણે કહ્યું કે 2019ની લોકસભા ચૂંટણી બાદ પીએમે સર્વદળીય બેઠક બોલાવી હતી, જેનો એજન્ડા એક દેશ, એક ચૂંટણીનો હતો. લગભગ બધા જ પક્ષો સંમત થયા. જોકે મેં અને સીતારામ યેચુરીએ તેનો વિરોધ કર્યો હતો. મેં નવી લોકસભા બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. એ વખતે પીએમ મારા પર ખૂબ ગુસ્સે થયા હતા. ઓવૈસીએ કહ્યું કે અમે માત્ર વિરોધ કરી રહ્યા છીએ કે પીએમ નરેન્દ્ર મોદી તેનું ઉદ્ઘાટન કેમ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, સત્તાને અલગ કરવાની થિયરી બંધારણનો ભાગ છે. જો પીએમ ઉદ્ઘાટન કરશે તો તે બંધારણનું ઉલ્લંઘન ગણાશે. વડા પ્રધાને નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન ન કરવું જોઈએ. વડાપ્રધાન ઉપરાંત રાષ્ટ્રપતિએ પણ તેનું ઉદ્ઘાટન ન કરવું જોઇએ.
19 વિરોધ પક્ષોએ બહિષ્કારની જાહેરાત કરી
19 વિરોધ પક્ષોએ બહિષ્કારની જાહેરાત કરી છે. આ પક્ષોમાં કોંગ્રેસ, ડીએમકે (દ્રવિડ મુનેત્ર કઝગમ), આપ, શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ), સમાજવાદી પાર્ટી, સીપીઆઇ, જેએમએમ, કેરળ કોંગ્રેસ (મણિ), વિદુથલાઇ ચિરુથિગલ કચ્છી, આરએલડી, ટીએમસી, જેડી(યુ), એનસીપી, સીપીઆઇ (એમ), આરજેડી, ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ, નેશનલ કોન્ફરન્સ, રિવોલ્યુશનરી સોશિયાલિસ્ટ પાર્ટી અને મારુમાલાર્ચી દ્રવિડ મુનેત્ર કઝગમ (એમડીએમકે)નો સમાવેશ થાય છે.
વિરોધ પક્ષોએ એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું
વિરોધ પક્ષોએ સંયુક્ત નિવેદન બહાર પાડીને ઉદ્ઘાટન કાર્યક્રમનો બહિષ્કાર કર્યો છે. સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન એ એક મહત્વપૂર્ણ પ્રસંગ છે, અમારી માન્યતા હોવા છતાં કે સરકાર લોકશાહીને જોખમમાં મૂકે છે. નવી સંસદનું નિર્માણ જે રીતે નિરંકુશ રીતે કરવામાં આવ્યું હતું તેને અમે નકારી કાઢ્યું હોવા છતાં, અમે અમારા મતભેદોને દૂર કરવા અને પ્રસંગને ચિહ્નિત કરવા માટે તૈયાર છીએ. વિપક્ષના નિવેદનમાં કહેવાયું કે પીએમ મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને સંપૂર્ણપણે બાયપાસ કરીને નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાનો નિર્ણય માત્ર ગંભીર અપમાન જ નહીં પરંતુ આપણી લોકશાહી પર સીધો હુમલો છે, જે તે મુજબ જવાબ માંગે છે.