સંતાડેલી ચાવીથી ઘર ખોલી તસ્કરો રૂ. 2.45 લાખની ચોરી કરી ગયા

Views 95

સામાન્ય રીતે પરિવારજનો એક સાથે બહાર જતા હોય ત્યારે ઘરમાં નક્કી કરેલી જગ્યા ઉપર ચાવી મુકતા હોય છે. પરંતુ આ ચાવી મુકવી નુકશાન કારણ બની શકે છે. આ જ પ્રકારનો બનાવ ડભોડા ગામમાં બન્યો છે. ડભોડાના રામનગરમાં રહેતો પરિવાર ગામમાં માતાજીની શોભાયાત્રા જોવા ગયો હતો. તે સમયે ઘર આગળની લોખંડની જાળીને તાળુ મારવામાં આવ્યુ હતુ. જ્યારે ઘરે ગયા તે સમયે તાળુ સહિ સલામત લટકતુ હતુ. પરંતુ ઘરની તિજોરી જોતા ચોરી થઇ હોવાનુ સામે આવ્યુ હતુ. અજાણ્યા તસ્કરો ઘરમાંથી 2.45 લાખની માલમત્તાની ચોરી કરી પલાયન થઇ ગયા હતા.

મળતી માહિતી મુજબ ડભોડાના રામનગરમાં રહેતા સેંધાજી રમતુજી ઠાકોર ખેતી કરીને પરિવારનુ ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે તેમના કુટુંબમાં માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રસંગ હતો, પરિણામે સવારના સમયે ઘરના તમામ સભ્યો ઘરને તાળુ મારીને માતાજીના પ્રસંગમાં ગયા હતા. માતાજીની શોભાયાત્રા હોવાથી તાળુ માર્યા પછી એક ચાવી પોતાની પાસે જ્યારે બીજી ચાવી નક્કી કરેલી જગ્યામાં મુકવામાં આવી હતી. જ્યારે પ્રસંગમાંથી પરત આવ્યા તે સમયે જાળીમાં લગાવેલુ તાળુ સહિ સલામત જોવા મળતુ હતુ અને ચાવીથી તાળુ ખોલીને ઘરમાં પ્રવેશ મેળવ્યો હતો.

તે દિવસે પરિવાર નિત્યક્રમ મુજબ જમી પરવારીને સુઇ ગયો હતો. જ્યારે બીજા દિવસે નાણાંની જરુરિયાત હોવાથી તિજોરી ખોલતા અંદરનુ ખાનુ તુટેલુ જોવા મળ્યુ હતુ. જેમાં મુકવામાં આવેલા દાગીનામાં સવા તોલાનો સોનાનો દોરો કિંમત 72 હજાર, સવા તોલાનુ સોનાનુ લોકેટ કિંમત 72 હજાર, બે ગ્રામની કાનની સેરો કિંમત 11 હજાર, એક કીલો ચાંદીના કડલા કિંમત 60 હજાર, અઢીસો ગ્રામ ચાંદીની કાબીયો કિંમત 15 હજાર અને અઢીસો ગ્રામ ચાંદીના રમજા કિંમત 15 હજાર સહિત કુલ 2.45 લાખની માલમત્તાની ચોરી થઇ હોવાનુ સામે આવ્યુ હતુ. જેને લઇ અજાણ્યા ચોર ઘરમાંથી ચોરી કરી પલાયન થઇ ગયા હોવાની ફરિયાદ ડભોડા પોલીસ મથકમાં કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *