પાટણ શહેરમાં જમાઇએ તેના સસરા ઉપર છરીથી હુમલો કર્યો હતો. મળતી માહિતી મુજબ પાટણનાં સાલવીવાડામાં ધાંધલનાં છાપરામાં રહેતા સોમાભાઇ મનુભાઇ પટણીની દીકરી આરતીનાં લગ્ન દોઢેક વર્ષ પૂર્વે સંજય જગમાલભાઇ પટણી રે. હનુમાનપુરા, તા. પાટણવાળા સાથે કર્યા છે. તેને ત્રણ મહિનાની દીકરી પણ છે.
સોમાભાઇની દીકરીને તેનાં પતિ એટલે કે જમાઇ સંજય દીકરીને અવારનવાર હેરાન કરતો હોવાથી તેને ત્રણ મહિનાની દીકરી પણ છે તે પિતાના ઘરે આવી હતી. જેની દાઝ રાખીને સંજય પાટણ આવ્યો હતો. જયારે સંજયનાં સસરા સોમાભાઇ પોતાનાં કામે ગઇકાલે બપોરે ત્રણ વાગે કામે જતા હતા ત્યારે સાલવીવાડાનાં ભીલવાસનાં નાકે પહોચતાં તેમનાં જમાઇ સંજયે તેમની પાસે આવીને ગાળો બોલતાં તેને ગાળો બોલવાની ના પાડીને તેને તેનાં ઘરે જતા રહેવાનું કહેતાં જમાઇ સંજયે ઉશ્કેરાઇ જઇને છરીથી સોમાભાઇની કમર નીચેનાં ભાગે મારતાં તેમને લોહી નિકળ્યું હતું.
તેમણે બુમો પાડતાં લોકોએ આવીને તેમને છોડાવ્યા હતા ત્યારબાદ જમાઇ સંજય જતાં પહેલાં સસરાને ‘તુ આજે તો બચી ગયો છે પણ બીજીવાર મોકો આવશે તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. બાદમાં સોમાભાઇને ‘108’ માંપાટણની ધારપુર સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતા. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો.