માણસા તાલુકાના ચરાડા ગામે રહેતો એક યુવક સાંજના સમયે તેના ખેતરમાં કામ કરી રહ્યો હતો. તે વખતે તેના કૌટુંબિક ભાઈ સહિત ચાર વ્યક્તિઓએ યુવકના માસીને ખેતરમાં થુવેરની વાડ કેમ કાપો છો તેવું કહી ગાળાગાળી કરી યુવકને ગડદાપાટૂનો માર મારી તેમજ હાથ પર લાકડી ફટકારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાબતે ઇજાગ્રસ્ત યુવકે હુમલાખોર ચાર વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.
માણસા તાલુકાના ચરાડા ગામે રાઠોડ પાલડી રોડ પર આવેલ મોટા ઠાકોરવાસમાં રહેતો અને ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો 30 વર્ષીય ઠાકોર ભુપતજી પ્રહલાદજી મંગળવારના રોજ સાંજે તે પોતાના ખેતરમાં કામકાજ કરી રહ્યો હતો અને આ વખતે તેનો કાકાનો દીકરો ઠાકોર શૈલેષજી નાથાજી,અરવિંદજી વીરસંગજી ઠાકોર, વીરસંગજી લક્ષ્મણજી ઠાકોર અને દિલીપજી નાથાજી ઠાકોર એમ ચાર વ્યક્તિઓ અહીં આવ્યા હતા અને તે સમયે ભુપતજીના માસી ખેતરમાં થુવેરની વાડ સરખી કરી રહ્યા હતા.
ત્યારે ચારે જણાએ ભેગા મળી મહિલાને બીભત્સ ગાળો બોલવા લાગ્યા હતા. જેથી ભૂપતજીએ ત્યાં જઈ ગાળો બોલવાની ના પાડતા ચારે જણા વધુ ઉશ્કેરાઈ જઈ યુવકને પણ ગાળાગાળી કરી ગડદાપાટુનો માર માર્યો હતો. શૈલેષજી ઠાકોરે લાકડી લઈ યુવકના હાથ ઉપર ફટકારી દીધી હતી.