એસ.ટી ડેપોમાં ભીડનો લાભ ઉઠાવી વૃદ્ધાનાં ગળામાંથી દોઢ તોલાના સોનાનો દોરો ગઠિયો સેરવી ગયો

Views 83

ગાંધીનગર એસ.ટી ડેપોમાં વિજાપુરની બસમાં ચડતી વખતે મુસાફરોની ભીડનો લાભ ઉઠાવી 75 વર્ષીય વૃદ્ધાનાં ગળામાંથી 75 હજારની કિંમતની દોઢ તોલાની મગ માળા ચોરીને ગઠિયો ફરાર થઈ જતાં સેકટર – 7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગર એસ.ટી ડેપો ચોર ટોળકી માટે મોકળું મેદાન મળી ગયું હોય એમ આંતરે દિવસે મુસાફરોનાં મોબાઇલ, પર્સ તેમજ દાગીના ચોરી થવાની વ્યાપક બૂમરાણ ઉઠતી રહેતી હોવા છતાં અહીં રાઉંડ ધ કલોક પોલીસ પહેરો ગોઠવવામાં આવતો નથી. જેનાં કારણે વધુ એક ચોરીની ઘટના સેકટર – 7 પોલીસ મથકના ચોપડે નોંધાયેલ છે.

અમદાવાદના ચાંદખેડા સુદર્શન નગર, ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનમાં રહેતા હીરાબેન સવજીભાઇ વાઘેલાના પિયર પક્ષમાં ભત્રીજીનાં દીકરાના લગ્ન હોવાથી ગત તા. 21 મી ફેબ્રુઆરીએ પતિ સવજીભાઈ સાથે વિજાપુર જવા માટે ગાંધીનગર એસ.ટી ડેપોએ આવી બસની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે ફોર્મ નં.-7 સામે ગાંધીનગર વિજાપુરની બસ આવતા મુસાફરોની ખૂબ ભીડ થઈ ગઈ હતી.

ત્યારે વૃદ્ધ દંપતી પણ બસમાં બેસવા પ્રયાસ કરતું હતું. એ વખતે ભીડભાડનાં લીધે ધક્કા મુક્કી થઈ હતી. પણ જેમતેમ કરીને હીરાબેન બસમાં બેસી ગયા હતા. જો કે બસમાં ચઢતી વખતે કોઈ ઈસમે ભીડનો લાભ ઉઠાવી હીરાબેનનાં ગળામાંથી દોઢ તોલા વજનની સોનાની મગ માળા ચોરી લીધી હતી. જેની જાણ થતાં હીરાબેન અને તેમના પતિએ બસમાં શોધખોળ પણ કરી કરી હતી.

પરંતુ મગ માળાનો પત્તો લાગ્યો ન હતો. ત્યારે લગ્નમાં જવાનું મોડું થતું હોવાથી વૃદ્ધ દંપતી વિજાપુર જવા રવાના થઈ ગયા હતા. આ અંગે હીરાબેને તેમના મોટા પુત્ર ડૉ. બોધીરાજ વિશ્વાસને વાત કરી હતી. અને સેકટર – 7 પોલીસ મથકમાં ઉક્ત બનાવ સંદર્ભે ફરિયાદ નોંધાવી હતી. જેનાં પગલે પોલીસે 75 હજારની કિંમતની માળાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *