કલોલમાં દબાણ હટાવ ઝુંબેશ છેલ્લા ત્રણ ચાર દિવસથી ચાલુ છે. કલોલમાં ઠેર ઠેર દબાણના પ્રશ્નને લઈને કલોલ નગરપાલિકા એક્શન મોડમાં આવીને દબાણો દૂર કરવાની કવાયત હાથ ધરી છે. જેમાં કલોલ શહેરના મુખ્યત્વે માર્ગો ઉપર કરેલા દબાણો નગરપાલિકા દ્વારા તોડી દેવામાં આવ્યા છે. જેમાં કલોલના શાકમાર્કેટ, મટવા કુવા, શારદા સર્કલ, કલોલ સરદાર બાગ તેમજ ખૂની બંગલા આસપાસના કરેલા મોટાભાગના દબાણો દૂર કરી દેવામાં આવ્યા છે. ત્યારે કલોલ સરદારબાગની સામે આવેલા દબાણ દૂર કરતી વખતે વિવાદ સર્જાયો હતો.
કલોલ સરદાર બાગની સામે આવેલા રૂતા હોસ્પિટલ તેમજ આશીર્વાદ હોસ્પિટલની બનાવેલી બિલ્ડીંગની સીડી તેમજ દુકાનો જે રોડના ફૂટપાથ ઉપર બનાવેલી હોવાથી કલોલ નગરપાલિકાનું આખું તંત્ર જેસીબી લઈને તોડવા પહોંચી ગયું હતું. જે બાદ કોઈ કારણસર તોડવા આવેલો આખો કાફલો પાછો વળી ગયો હતો. જેથી તેની આસપાસ જે લોકોના દબાણો જ્યારે દૂર કર્યા હતા, તે વખતે તે લોકોએ કરેલા દબાણો કાચા દબાણો હતા. જેમકે પતરાનો શેડ તો એ લોકોએ આ બિલ્ડિંગનો વાંધો ઉઠાવ્યો. કે સૌપ્રથમ પાકા કરેલા દબાણો દૂર કરો ત્યારબાદ અમારું દબાણ દૂર કરજો. ત્યારે નગરપાલિકાના કાફલાએ એવો દિલાસો આપ્યો હતો કે, હોસ્પિટલ દ્વારા બનાવેલા દબાણ ને પણ દૂર કરી દઈશું માટે તેમને બતાવવા માટે કાપલાય જેસીબી તેમજ ટ્રેકટરો લગાવી પણ દીધા હતા. પણ કોઈ કારણસર આસપાસનું દબાણ દૂર કરી હોસ્પિટલ બિલ્ડીંગનું દબાણ દૂર ન કરી કાફલો સ્થળ ઉપરથી આગળ નીકળી ગયો હતો. જેથી લોકોએ કલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરને પ્રશ્નોથી ઘેરી લીધા હતા.
જેમાં એક સામાન્ય નાગરિકે જ્યારે ચીફ ઓફિસરને પ્રશ્ન કર્યો, કે સાહેબ આ બિલ્ડિંગ બનાવેલું તમે કેમ ન તોડ્યું. એનો જવાબ મને લેખિતમાં લખીને આપો તો ચીફ ઓફિસરે એવું જણાવ્યું હતું કે, તે બિલ્ડીંગ રોડ ઉપર નથી અને જો તમારે લેખિતમાં જવાબ જોઈતો હોય તો તમારે આર.ટી.આઈ કરવી પડશે. જે બાદ ચીફ ઓફિસરને પ્રશ્ન કરવામાં આવ્યો, કે સામાન્ય નાગરિક જ્યારે તમને કોઈ પ્રશ્નનો જવાબ પૂછશે તો તમે તેમને એમ કહેશો કે તમારે આ જવાબ જોઈતો હોય તો આર.ટી.આઈ એક્ટ મુજબ માંગો, તો ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, કોઈપણ જવાબ જોઈતો હોય તો આર.ટી.આઇ હેઠળ જ માંગવો એના સિવાય જવાબ નહીં મળે.
જ્યારે કલોલમાં ઠેરઠેર દૂર કરેલા દબાણો નગરપાલિકા પાલિકા દ્વારા દૂર કરી દેવામાં આવ્યા, તે ફક્ત સામાન્ય માણસોના જ થયા છે. જ્યારે કલોલના પાક્કા અને નડતરરૂપ દબાણો હજુ સુધી હટ્યા નથી. જેમ કે કલોલ jp કોમર્શિયલ સેન્ટરમાં પાર્કિંગ જ નથી. જેથી તેમાં આવેલા સાધનો રોડ ઉપર પાર્ક થવાથી મોટું દબાણ થાય છે. તેવી જ રીતે યોગી કોમ્પલેક્ષમાં પણ પાર્કિંગ નથી. જે પાર્કિંગની જગ્યા ઉપર દુકાનો બનાવી દેવામાં આવી છે. જેથી તે આનું પણ પાર્કિંગ મેઇન રોડ ઉપર કરવામાં આવવાથી તે પણ એક મોટો પ્રશ્ન થઈ ગયો છે. હકીકતમાં નકશાઓમાં તેનું પાર્કિંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમ છતાં તેના પાર્કિંગની જગ્યા સ્થળ ઉપર નથી. તો એ પાર્કિંગ ગયા ક્યાં? લોકમુખી એવી પણ ચર્ચા થઈ રહી છે કે મોટા મોટા માણસો દ્વારા કરેલા દબાણો જે પાકા તેમજ નડતરરૂપ છે. તે દબાણો નગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવતા નથી. તેમજ કાચા અને નાના માણસોના કરેલા દબાણો નગરપાલિકા દૂર કરી દે છે. કાયદા નાના માણસો ઉપર જ વાપરવામાં આવે છે. જેથી કલોલ નગરપાલિકા ઉપર સામાન્ય નાગરિકોએ આક્ષેપો કરી વિવાદ કર્યો હતો.
જ્યારે કલોલના ઘણા વિસ્તારો એવા પણ છે, કે ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ પણ તે વિસ્તારમાં જઈ શકે તેમ નથી, ત્યાં મોટા પ્રમાણમાં દબાણો કરી દેવામાં આવ્યા છે. જેમકે ટાવર ચોક, પાંચ-હાટલી બજાર, અંબાજી માતાનું મંદિર, વગેરે જેવા વિસ્તારોમાં સાબરમતી ગેસની લાઈન પણ આપવામાં આવતી નથી. કારણ એવું દર્શાવવામાં આવે છે કે, ઇમર્જન્સીમાં કોઈ હોનારત થાય તો હોનારત તારવા માટેના ઇમર્જન્સી સાધનો આ વિસ્તારમાં આવી શકે તેમ નથી. જેથી કનેક્શન આપવામાં આવશે નહીં. કલોલમાં કરેલા દબાણોમાં એક આ મોટો પ્રશ્ન છે. હવે જોવાનું એ રહ્યું કે, આ બધા દબાણો નગરપાલિકા દૂર કરે છે કે કેમ? તે પણ જાણવાનું રહ્યું.