કલોલ તાલુકાના ઓળા ગામે એક મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, ત્યારે તેમના પરિવારના સભ્યો હોસ્પિટલમાં ગયા હતા. તે તકલનો લાભ લઇ તસ્કરોએ બંધ ઘરને નિશાન બનાવ્યુ હતું અને ₹1,02,500ની કિંમતના સોના- ચાંદીના દાગીનાની ચોરી કરી રફૂચક્કર થઇ ગયા હતાં. ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ સંદર્ભે પ્રાપ્ત થતી વિગતો અનુસાર કલોલ પાસેના ઓળા ગામે રહેતા ભરતભાઈ ડાયાભાઈ મકવાણાના પત્ની બીમાર પડતાં તેમને તાકિદે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવાની પરિવારને ફરજ પડી હતી. તે દરમિયાન પરિવારજનો ગભરાઇ ગયા હતાં અને દર્દીની સાથે ઘરના તમામ સભ્યો તાળુ મારીને હોસ્પિટલ ખાતે દોડી ગયા હતાં. દર્દી મહિલાની પુત્રી પણ તેની માતા સાથે હોસ્પિટલે દોડી ગઇ હતી. તે દરમિયાન તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યુ હતું અને તાળુ તોડી અંદર ઘુસ્યા હતાં.
રેકી કરીને બંધ ઘરમાં ત્રાટકેલી તસ્કર ટોળકીએ સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. તેમજ કબાટમાં મુકેલા સોના-ચાંદીના સંખ્યાબંધ નાના મોટા દાગીના હાથ લાગતા તેની ચોરી કરી નાસી ગયા હતાં. ચોરીમાં ગયેલા દાગીનાની કિંમત ₹1,02,500 થાય છે. આ અંગે ઘરના માલિકે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવ હતી. તેના આધારે પોલીસે ગુનો દાખલ કરી તસ્કર ટોળકીનું પગેરૂ દબાવવાના પ્રયાસ હાથ ધર્યા છે.