ડીસામાં ઇલેક્ટ્રોનિકસની દુકાન ધરાવતા વેપારીએ ટેટોડામાં જમીન વેચાણથી રાખ્યા બાદ પૈસા લઈ જમીનનો દસ્તાવેજ ન કરી આપી છેતરપીંડી આચરી હોવાની ઘટના બની છે. આ મામલે વેપારીએ જમીન માલિક અને બે જમીન દલાલો સામે ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ડીસા તાલુકાના પેછડાલ ગામના વતની અને હાલ ડીસાના નેમીનાથ નગરમાં રહેતા નિલેશ શાહ મહાવીર ઈલેક્ટ્રિકલ્સ નામની દુકાન ધરાવે છે. તેઓને વર્ષ 2018માં ટેટોડા રહેતા અને જમીનની દલાલી કરતા રામજી પટેલ અને જેરડા રહેતા જમીન દલાલ ખેંગાર દેસાઈએ ટેટોડા ગામે રાજારામ ગૌશાળાની સામે દેવા ચૌધરીની રેવન્યુ સર્વે નંબર 856ની આશરે 2.65.52 ચોરસ મીટરવાળી જમીન વેચવાની હોવાનું જણાવ્યું હતું.
જેથી નિલેશે જમીન જોઈને બંને જમીન દલાલોની રૂબરૂમાં દેવા ચૌધરી સાથે રૂપિયા સાડા આઠ લાખમાં સોદો નક્કી કર્યો હતો. જેમાં તેઓએ તારીખ 20/8/2018ના રોજ તેઓની માતા કમળા શાહના નામે સ્ટેમ્પ લઇ ડીસાની સબ રજીસ્ટર ઓફિસમાં બાનાખત નોંધણી કરાવી હતી. તેમની માતાના નામનો રૂપિયા 7 લાખનો ચેક પણ દેવા ચૌધરીને આપ્યો હતો. જ્યારે બાકીની રકમ ત્રણ મહિના બાદ જમીનનો દસ્તાવેજ કરીને આપવાનું નક્કી કર્યું હતું. જેથી દેવાભાઈએ 7 લાખનો ચેક બેંકમાંથી વટાવી પૈસા ઉપાડી લીધા હતા. ત્યારબાદ ત્રણ મહિના બાદ તેઓએ જમીન દલાલ ખેંગાર અને રામજીને જમીનનો દસ્તાવેજ કરી આપવાનું કહેતા તેઓએ જ્યારે અમારી ઈચ્છા હશે ત્યારે દસ્તાવેજ કરી આપીશું કહી ધાક ધમકીઓ આપવા લાગ્યા હતા.
આ દરમિયાન વેપારી નિલેશે પોતે રાખેલી જમીનની તપાસ કરવા ટેટોડા જતા સ્થાનિક માણસો દ્વારા તેમને જાણવા મળ્યું હતું કે, તેમને જે રેવન્યુ સર્વે નંબરવાળી જમીન રાખી છે, તે ટેટોડા ગૌશાળાની સામે નથી. પરંતુ ગૌશાળાની પાછળ આવેલી છે. આમ બંને જમીન દલાલો અને જમીન માલિકે તેમને વેચાણ રાખેલી જગ્યાના બદલે બીજી જમીન બતાવી તેમને અંધારામાં રાખી તેમની માતાના નામનો ચેક વટાવી વિશ્વાસઘાત તેમજ છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું હતું.
આ સમગ્ર મામલે ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.