નાંદોલ દહેગામ રોડ ઉપરથી દારૂ ભરેલી કાર નિકળવાની બાતમીના આધારે એલસીબીની ટીમે વોચ ગોઠવી હતી.કાર આવતા રોકવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ ચાલકે કાર હંકારી મુકી હતી. જેમાં પોલીસે પણ તેમની કાર બુટલેગરની કાર પાછળ દોડાવી ઝડપી લીધી હતી. કારની તપાસ કરતા 191 બિયર અને દારૂની બોટલ મળી આવી હતી. આ બનાવને લઇ દહેગામ પોલીસ મથકમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
એલસીબી પીઆઇ એચ.પી.પરમારની ટીમના પીએસઆઇ ડી.ડી.ચાવડા સહિત દહેગામ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. તે દરમિયાન ટીમને બાતમી મળી હતી કે, એક સફેદ કલરની સ્વીફ્ટ ડીઝાયર કાર નંબર જીજે 18 બીજી 0849માં વિદેશી દારૂ ભરવામાં આવ્યો છે અને કાર સાણોદા તરફથી નાંદોલ થઇને દહેગામ તરફ જવાની છે.
જેને લઇ પોલીસની ટીમ સાણોદાથી દહેગામ તરફ વોચમાં ગોઠવાઇ ગઇ હતી. જ્યારે કાર આવતા તેને રોકવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ ચાલકે કારને પોલીસ જોઇને ભગાડી મુકી હતી. બુટલેગરે કાર ભગાડી મુકતા એલસીબીની ટીમ પણ ખાનગી કારમાં પાછળ પાછળ ભાગી હતી.
જેમા આગળ જતા બુટલેગરની કાર ઝાડ સાથે અકસ્માતગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. જેની તપાસ કરતા કારમાંથી વિદેશી દારુ બિયરની 191 નંગ બોટલ કિંમત 66,685 મળી આવી હતી. પોલીસે એક આરોપી નરેશ ગીરધર સોલંકી ને પકડ્યો હતો. જ્યારે દારૂ અને કાર મળી કુલ 2,68,685 લાખનો મુદ્દામાલ જપ્ત કરી દહેગામ પોલીસ મથકમાં ગુનો નોંધી અન્ય આરોપીઓની તપાસ હાથ ધરી હતી.