અમદાવાદમાં એક તરફ કાંકરિયા કાર્નિવલમાં લાખો લોકો રોજ ઉત્સવની મજા માણવા માટે આવી રહ્યા છે. ત્યારે ગઈકાલે રાતે લોકોએ અહીં સાન્તાક્લોઝ બનેલાઓને બેફામ ગાળો ભાંડી ફડાકા ઝીંક્યા હતા. લોકોએ સાન્તાક્લોઝ બનેલાઓને દોડાવી દોડાવીને માર્યા હોય એવો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં લોકો સાન્તાક્લોઝ બનેલા લોકોને કહી રહ્યા છે કે તમારા ચર્ચમાં જઈને ધર્મનો ફેલાવો કરો, તમે લોકોના માઇન્ડવોશ કરી રહ્યા છો. બજરંગ દળનું કહેવું છે કે અહીં લોકો ધર્મનો પ્રચાર કરી રહ્યા હતા અને ઘણા સમયથી સાન્તાક્લોઝના કોસ્ચ્યૂમ પહેરીને ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટેનાં પુસ્તકો વેચી રહ્યા હતા. આ વાત ધ્યાન પર આવતાં તેમને અહીંથી ખસેડવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી.
કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના એન્ટ્રી ગેટ પાસે ઘટના બની
અમદાવાદના કાંકરિયા કાર્નિવલમાં લોકો એક વખત તો નજારો માણવા જરૂર જાય છે. એમાં પણ પૂર્વ વિસ્તારમાં ખાસ કરીને મણિનગર અને આસપાસના લોકો કાંકરિયા કાર્નિવલમાં અવનવાં આકર્ષણ જોવા માટે જતા હોય છે. શુક્રવારે રાતે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના એન્ટ્રી ગેટ પાસે કેટલાક લોકોને બજરંગ દળના લોકોએ દોડાવી દોડાવીને માર્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં બજરંગ દળના નેતાઓ દેખાઈ રહ્યા છે.
બજરંગ દળના લોકો ઉશ્કેરાઈ ગયા હતા
બજરંગ દળના નેતા જવલિત ખત્રી અને 20 જેટલા લોકો જગ્યા પર પહોંચી ગયા હતા. ત્યારે એ લોકોને મેસેજ મળ્યા હતા કે અમુક ટેબલ પર અન્ય ધર્મના પ્રચાર માટેનાં પુસ્તકો વહેંચાય રહ્યાં છે, આથી બજરંગ દળના લોકો ઉશ્કેરાઇ ગયા હતા અને ધોલધપાટ શરૂ કરી હતી. એને કારણે સાન્તાક્લોઝ બનીને આવેલા લોકો ભાગી ગયા હતા. આ સમગ્ર મામલો વીડિયોમાં કેદ થયો છે. આ વીડિયોમાં એવું પણ દેખાઈ રહ્યું છે કે આ લોકો ધર્મનો પ્રચાર અન્ય જગ્યાએ જઈને કરે એવું પણ જણાવી રહ્યા છે. વીડિયોના અંતે જોવા મળે છે કે સાન્તાક્લોઝ બનેલી બેથી ત્રણ વ્યક્તિને લોકો દોડાવી દોડાવી મારે છે.
ધર્મપરિવર્તનને પ્રોત્સાહન આપતાઃ વિહિપના પ્રવક્તા
આ અંગે વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપૂતે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે ચાર દિવસથી કાંકરિયા કાર્નિવલ દરમિયાન ઝૂની એન્ટ્રી પાસે પાછલા 4 દિવસથી મિશનરી દ્વારા સાન્તાક્લોઝ બનીને ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરતાં પુસ્તકો લોકો વેચીને ઈશુ અને ખ્રિસ્તી ધર્મ વિશે સમજાવી ધર્મપરિવર્તનની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતા હતા. આ બાબતની જાણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળને થતાં ગઈકાલ રાત્રે આશરે 9 વાગ્યે બજરંગદળના પ્રાંત પ્રમુખ જવલિતભાઈ ખત્રીની આગેવાની હેઠળ 20 કાર્યકરોએ સરકારી કાર્યક્રમમાં ચાલતી ધર્મપરિવર્તનની પ્રવૃત્તિને બંધ કરાવી હતી.
અગાઉ નવરાત્રિમાં વિધર્મીઓ સાથે બબાલ થઈ હતી
ગુજરાતમાં બે વર્ષ બાદ આ વર્ષે નવરાત્રિની રમઝટ બોલી હતી. પાર્ટી પ્લોટ અને ક્લબમાં લોકો ગરબે ઘૂમ્યા હતા. ત્યારે કેટલાક લોકો ગેરકાયદે રીતે ગરબામાં ઘૂસતા હોવાની શંકાના આધારે બજરંગ દળના કાર્યકરો એસપી રિંગ રોડ પાસેના એક ગરબાના આયોજનમાં પહોંચ્યા હતા, અહીં બે વિધર્મી યુવક ઘૂસી ગયા હતા. અગાઉ વીએચપી અને બજરંગ દળે ચીમકી ઉચ્ચારી હતી કે કોઈ ધાર્મિક સ્થળે વિધર્મી લોકો પ્રવેશશે તો તેની સામે કાર્યવાહી કરશે અને પણ એવું જ બન્યું, તેમણે બે યુવકને ગરબામાંથી બહાર કાઢ્યા હતા.
એસ.પી રિંગ રોડ પાસેના ગરબામાં બબાલ થઈ હતી
ત્યાર બાદ લોકોને ટોળાં ભેગાં થવા લાગ્યાં હતાં, પરંતુ એક નહીં, બે વિધર્મી લોકો બહાર આવ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપૂતે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે બજરંગ દળના કાર્યકરો એસ.પી રિંગ રોડ પાસેના ગરબાના સ્થળે પહોંચ્યા હતા, ત્યાં બે વિધર્મી યુવકો મળતાં તેમને બહાર કાઢ્યા હતા. બજરંગદળના કાર્યકરોને જોઈને આ યુવકો ભાગવા લાગ્યા હતા. ત્યારે તેમને ફરી આમ ના કરવા સમજાવ્યા હતા.