કોરોનાને કારણે ચીનમાં સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. બ્લૂમબર્ગે ચીનના નેશનલ હેલ્થ કમિશનને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે અહીં 24 કલાકમાં 3 કરોડ 70 લાખ કેસ નોંધાયા છે. જોકે, સત્તાવાર આંકડામાં આ દિવસે માત્ર 3 હજાર કેસ નોંધાયા હોવાનું જણાવાયું હતું. આ મહિનાના શરુઆતના 20 દિવસમાં 24 કરોડ 80 લાખ લોકો સંક્રમિત થયા છે. આ પહેલા જાન્યુઆરીમાં એક દિવસમાં 40 લાખ કોરોના દર્દીઓ મળી આવ્યા હતા.
ચીન અને ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી પર નજર રાખનાર હ્યુમન રાઈટ એક્ટિવિસ્ટ જેનિફર ઝેંગે એક વીડિયો પોસ્ટ કર્યો છે. રસ્તાઓ પર દોરડા બાંધીને લોકોને બોટલો ચઢાવવામાં આવી રહી હોવાનું જોવા મળે છે. હોસ્પિટલોમાં બેડના અભાવે આમ કરાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે પણ આવી જ એક તસવીર વાયરલ થઈ હતી, જેમાં ચીનમાં ક્લાસરૂમમાં અભ્યાસ કરતી વખતે બાળકોને બોટલ ચઢાવવામાં આવતા જોવા મળ્યા હતા.
- ચીનમાં મૃતદેહોને કન્ટેનરમાં એકત્રિત કરવામાં આવી રહ્યા છે. બેઇજિંગના સૌથી મોટા સ્મશાનગૃહમાં 24 કલાક અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. લોકો વાહનોમાં મૃતદેહો લઈને સ્મશાનની બહાર લાંબી કતારોમાં ઉભા છે.
- ચીનમાં દવાઓની પણ અછત છે. ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન (ORF) અનુસાર, અહીંના લોકો કોવિડ વિરોધી દવાઓ ઓનલાઈન શોધી રહ્યા છે. ભારતમાં બનતી જેનરિક એન્ટી વાઈરલ દવાની ઘણી માંગ છે.
- ચીનમાં ફેલાયેલો BF.7 વેરિયન્ટ ભારત સહિત વિશ્વના 91 દેશોમાં ફેલાઈ ગયો છે. સ્ક્રિપ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટ અનુસાર, આ વેરિયન્ટ છેલ્લા બે વર્ષથી છે. જોકે હવે તે ખતરનાક બની ગયો છે.
જાપાનઃ 24 કલાકમાં 1.7 લાખ નવા કોરોના દર્દીઓ મળ્યા
ચીન બાદ જાપાનમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. કોરોના worldometersના ડેટા અનુસાર છેલ્લા 24 કલાકમાં 1 લાખ 73 હજાર નવા કેસ સામે આવ્યા છે. તેમજ 315 લોકોના મોત થયા છે.
જાપાન ટાઈમ્સના અહેવાલ મુજબ અહીં 8મી લહેર આવી ગઈ છે. ઓમિક્રોન વેરિયન્ટના કારણે બાળકો મરી રહ્યા છે. 8 મહિનામાં 41 બાળકોએ જીવ ગુમાવ્યો છે.
ફ્રાન્સ અને દક્ષિણ કોરિયા: 1.1 લાખ નવા કેસ, 221 મૃત્યુ
દક્ષિણ કોરિયા અને ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1 લાખ 11 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. દક્ષિણ કોરિયામાં નવા કેસની સંખ્યા 68 હજાર 168 છે અને ફ્રાન્સમાં આ આંકડો 43 હજાર 766 છે. ફ્રાન્સમાં 158 અને દક્ષિણ કોરિયામાં 63 લોકોના મોત થયા છે.
BF.7: ઓમિક્રોનનો સૌથી શક્તિશાળી વેરિયન્ટ
ઓમિક્રોનનું નવો વેરિયન્ટ BF.7 ચીનમાં ફેલાઈ રહ્યો છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે ઓમિક્રોનનું આ સૌથી શક્તિશાળી વેરિયન્ટ છે. કોરોના વાયરસનું BF.7 વેરિયન્ટના સ્પાઇક પ્રોટીનમાં ચોક્કસ પરિવર્તનને કારણે થાય છે, જેને R346T કહેવાય છે. નિષ્ણાતોના મતે, આ પરિવર્તનને કારણે, આ પ્રકાર એન્ટિબોડીઝની કોઈ અસર થતી નથી.
સરળ શબ્દોમાં કહીએ તો… જો કોઈ વ્યક્તિને અગાઉ કોરોના થયો હોય અથવા તેને વેક્સિન આપવામાં આવી હોય, તો તેના શરીરમાં એન્ટિબોડીઝ બને છે. BF.7 વેરિયન્ટ આ એન્ટિબોડીને પણ ચકમો આપીને શરીરમાં પ્રવેશવામાં સક્ષમ છે.