વિસનગર તાલુકાના કોમલપુર (ખ) ગામે એક યુવકને બે શખ્સોએ તું રસ્તામાંથી ગાડી લઈને કેમ નીકળે છે? કહી અપશબ્દો બોલી ગડદાપાટુ તેમજ ધોકા વડે મારમારી યુવકની પત્ની સાથે ઝપાઝપી કરતા બન્ને શખ્સો સામે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.
ધોકા વડે માર મારવા લાગ્યા
તાલુકાના કોમલપુર (ખ) ગામના ઠાકોર મહેન્દ્રજી છનાજી સિમેન્ટ ની ગાડીનુ ડ્રાઈવિંગ કરી ગુજરાન ચલાવે છે. જેઓ રોજ સાંજે ગામમાં શાકભાજી લઈ પરત ખેતર તરફ બાઇક લઈને જઇ રહ્યા હતા ત્યારે રસ્તામાં ગામના વતની ઠાકોર ગોવિંદ અમરતજી તેમજ ઠાકોર કાળુજી અમરતજી બંને ભાઈ રસ્તામાં મળ્યા હતા અને કહેવા લાગ્યા કે, તું તારી સિમેન્ટની ગાડી લઈ નેળીયામાં થઈને નીકળતો નહિં તેમ કહી અપશબ્દો બોલવા લાગ્યા હતા. જ્યાં મહેન્દ્રજીએ અપશબ્દો બોલવાની ના પાડતા બન્ને જણા ઉશ્કેરાઈ જઈ ધોકા વડે માર મારવા લાગ્યા હતા. જ્યાં બૂમાબૂમ કરતા એમની પત્ની દક્ષા વચ્ચે પડતા બન્ને ભાઇઓએ ઝપાઝપી કરી હતી.
પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી ઠાકોર ગોવિંદ અને ઠાકોર કાળુજીએ રસ્તામાં ગાડી લઈ નીકળવા બાબતે ઝગડો કરી મહેન્દ્રજી અને એમની પત્ની ને માર મારતા બન્ને શખ્સો સામે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.