ચૂંટણીની કામગીરીમાંથી પરવારીને હાશકારો અનુભવતી પોલીસની ઠંડી ઉડાડવા અને દોડતી જ રાખવાનું તસ્કરોએ નક્કી કરી લીધું હોય તેમ ચૂંટણીનો માહોલ પુરો થવાની સાથે જ ચોરી, લૂંટની ઘટનાઓ સામે આવી હતી. જ્યાં રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં જવેલરી શોપમાં ત્રણ મહિલાઓ આવી હતી અને તેમણે નજર ચૂકવી સોનાના દાગીનાની ચોરી કરી હતી. આ મુદ્દે જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી. જે બાદ પોલીસે CCTVના આધારે ગણતરીના કલાકોમાં જ એક મહિલાને ઝડપી લીધી હતી. જયારે અન્ય બે મહિલાની શોધખોળ હાથ ધરાઇ છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર જસદણના ચીતલિયા રોડ પર આવેલા એક જ્વેલર્સમાંથી દાગીના ખરીદવાના બહાને આવેલી ત્રણ મહિલા ‘કારીગરી’ કરી ગઇ હતી. માલિકની નજર ચુકવીને સોનાની બે બુટ્ટી કે જેની કિંમત 35,000 આસપાસ થવા જાય છે તે ચોરી ગઇ હતી. મહિલાઓ નીકળી ગયા પછી માલિકને આ ચોરીની ખબર પડી હતી અને તેમણે CCTV ફૂટેજ ચેક કર્યા હતા જેમાં ત્રણ મહિલા ચોરી કરતી સ્પષ્ટ દેખાતાં આ અંગે પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે એક મહિલાની ધરપકડ કરી લીધી હતી જ્યારે તેમની અન્ય બે સાગરિતની શોધખોળ ચાલુ છે.
સોનાની બે બુટ્ટીની ચોરી કરી
જસદણમાં ચીતલીયા રોડ ઉપર અવસર જ્વેલર્સ નામની દુકાન ધરાવતા ભાવેશભાઈ વઘાસીયાએ ત્રણ અજાણી મહિલા સામે જસદણ પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદમાં જણાવ્યા મુજબ, ત્રણેય મહિલા ગ્રાહક બની દુકાનમાં આવી અલગ-અલગ દાગીના જોવા માંગી ફરિયાદીની નજર ચૂકવી સોનાની બુટ્ટી નંગ-2 કિં.રૂ.35,000 ચોરી કરી ગયા હતા. દરમિયાન આ ફરિયાદ બાદ જસદણના PI પી.બી.જાની તથા ASI ભુરાભાઈ માલીવાડએ CCTV ફૂટેજના આધારે તપાસ કરી સોનાના દાગીના ચોરનાર સવિતા હકાભાઇ ભોજવીયાને ઝડપી લીધી હતી. જ્યારે અન્ય બે મહિલાની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
ઓઈલ મિલમાં રૂ.1.30 લાખની ચોરી
જસદણમાં જાણે તસ્કરો બેફામ બન્યા હોય તેમ એક બાદ એક ચોરીની ઘટના સામે આવી રહી છે. આજથી 19 દિવસ પહેલા મોડી રાત્રિના બે અજાણ્યા તસ્કરોએ વીરનગર ગામે આવેલ મહાદેવ ઓઈલ મિલ અને નીલકંઠ ઓઈલ મિલને નિશાન બનાવી હતી. જેમાં બન્ને અજાણ્યા તસ્કરોએ ઓઈલ મિલના શટર તોડી અંદર પ્રવેશી રૂ.1.30 લાખની રોકડ રકમની ચોરી કરી નાસી ગયા હતા. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. .
ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો નથી
જસદણ તાલુકાના વીરનગર ગામે છેલ્લા 2 મહિનામાં 6 ચોરીના બનાવો બની ચુક્યા છે. જો કે આ ગામ સીસીટીવી કેમેરાથી સજ્જ હોવા છતાં પલાક્વારમા ચોરીના બનાવો બની રહ્યા હોવાથી સ્થાનિક પોલીસ તંત્રની કામગીરી સામે ગ્રામજનોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ ગામમાં દિન પ્રતિદિન ચોરીના બનાવો વધી રહ્યા છે. છતાં સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા આજદિન સુધીમાં એક પણ ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો નથી.
બે જ મિનિટમાં ATMનું મશીન ખોલી નાખ્યું
આજથી 3 મહિના પહેલા જસદણમાં જ ATMમાં ચોરી થયાની ઘટના સામે આવી હતી. જસદણના ગીતાનગર વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડા શાખાના ATMનું બોક્સ ખોલી તેમાંથી અજાણ્યા 3 શખ્સોએ રૂ.17.33 લાખની રોકડ ચોરી કરી લીધી હતી. જેમાં ત્રણ શખ્સોમાંથી એકે તો માત્ર બે જ મિનિટમાં ATMનું મશીન ખોલી નાખ્યું હતું અને 17.33 લાખની ચોરી કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી