આખું ગામ જંગે ચઢ્યું:દિલ્હી જઈને કેજરીવાલ સરકારની પોલ પછી ખોલજો, પહેલા અમદાવાદથી 70 કિમી દૂર ગમાનપુરા ગામની સ્કૂલની હાલત જુઓ

Views 145

આખું ગામ જંગે ચઢ્યું:દિલ્હી જઈને કેજરીવાલ સરકારની પોલ પછી ખોલજો, પહેલા અમદાવાદથી 70 કિમી દૂર ગમાનપુરા ગામની સ્કૂલની હાલત જુઓ

   *દેત્રોજના ગમાનપુરા ગામમાં બધી સરકારી ઓફિસોને તાળાં માર્યાં, નેતા-અધિકારીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો

     ગુજરાતમાં ચાલતી શાળાઓના વર્ગ ખંડથી લઈને ઓરડા વગેરે બાબતને લઈને દિલ્હીની આમ આદમી પાર્ટી(AAP)ની સરકારના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ગુજરાતની મુલાકાત દરમિયાન ગુજરાતના શિક્ષણમાં લાલિયાવાડી ચાલતી હોવાનો આક્ષેપ કર્યો હતો. એની સામે ભાજપની ટીમે દિલ્હી જઈને દિલ્હી સરકાર દ્વારા શાળાઓમાં સુવિધા તથા મેડિકલમાં અપાતી સુવિધાઓની પોલ ઉઘાડી પાડી હતી. આમ, બંને રાજકીય પક્ષો વચ્ચે આમને-સામને આક્ષેપ, પ્રતિઆક્ષેપોને કારણે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. એવા સમયે અમદાવાદથી અંદાજે 70 કિલોમીટરના અંતરે આવેલા દેત્રોજ તાલુકાના ગમાનપુરા ગામમાં વર્ષોથી ચાલતા ધો.6થી 8ના વર્ગો બંધ કરવાનો કડકપણે અમલ કરવાની જાહેરાત કરતાં ગ્રામજનોમાં હોબાળો મચી જવા પામ્યો છે. ગમાનપુરા ગામથી લગભગ ત્રણ કિ.મી. દૂર આવેલા લક્ષ્મીપુરા ગામની શાળામાં ગમાનપુરા ગામના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાની ફરજ પડી છે. બાળકોની સલામતીને લઇને ગ્રામજનોમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે. સરકારનાં પગલાં સામે ગ્રામજનોએ રીતસરનો જંગ છેડી દીધો છે. જો ગામમાં શાળા પૂર્વવત નહીં થાય તો આંદોલનને ઉગ્ર બનાવવાનું એલાન આપ્યું છે, જેના ભાગરૂપે જ ગામમાં ધો.1થી 5ની ચાલતી ગમાનપુરા પ્રાથમિક શાળાને જ નહીં, બલકે આંગણવાડી, પોસ્ટ ઓફિસ તેમ જ ગ્રામપંચાયતની ઓફિસને તાળાં મારી દીધાં છે. એટલું જ નહીં, પરંતુ ગામના નોટિસ બોર્ડ પર રાજકીય પક્ષો તથા સરકારી કર્મચારીઓને ગામમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

ગમાનપુરા ગામના તમામ જ્ઞાતિના લોકો શાળામાં વર્ગો કરવા સામે મેદાને પડ્યા છે.
                                 ગમાનપુરા ગામના તમામ જ્ઞાતિના લોકો શાળામાં વર્ગો કરવા સામે મેદાને પડ્યા છે.

      અમદાવાદથી લગભગ 70 કિલોમીટરના અંતરે આવેલા દેત્રોજ તાલુકાના ગમાનપુરા ગામમાં 1200ની વસતિ વસવાટ કરે છે. આ ગામમાં પટેલથી માંડીને રબારી સમાજ, ઠાકોર સમાજ, રાવળ સમાજ, અનુસૂચિત જાતિ, પ્રજાપતિ સમાજના લોકો રહે છે. ગ્રામજનો માટે ગામના પ્રવેશદ્વાર પાસે જ 1955માં ધો.1થી 8ની શાળા શરૂ કરવામાં આવી હતી. 20-11-2020ના રોજ સરકાર દ્રારા ધો. 6,7 અને 8ના વર્ગો બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ બાળકોને ગમાનપુરા ગામથી અંદાજે ત્રણ-સાડા ત્રણ કિલોમીટર દૂર આવેલા લક્ષ્મીપુરા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં ખસેડવાનો નિર્ણય કરાયો હતો, પરંતુ ગ્રામજનોની રજૂઆત તથા કોરોનાના કારણે આ શાળા હમણાં સુધી ગમાનપુરામાં જ ચાલતી હતી. હાલમાં ગમાનપુરા પ્રાથમિક શાળામાં ધો.1થી 5માં 45 વિદ્યાર્થી તથા ધો.6થી 8માં 27 વિદ્યાર્થી નોંધાયેલા છે. ધો. 6થી 8ના વર્ગમાં 27 વિદ્યાર્થી પૈકી 16 વિદ્યાર્થિની તથા 11 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

*અકળાઇ ઊઠેલાં ગ્રામજનોએ આક્રોશ રેલી કાઢી
ગ્રામજનોના જણાવ્યા મુજબ, લક્ષ્મીપુરા પ્રાથમિક શાળામાં ધો.1થી 5માં 44 વિદ્યાર્થી અને ધો.6 થી8માં 22 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વળી, પાછા ગમાનપુરા પ્રાથમિક શાળાના ધો.6થી 8ના વર્ગને આવતીકાલ તા.30મી જૂનથી બંધ કરવાની તાજેતરમાં જ જાહેરાત કરવાની સાથે તેનો કડકપણે અમલ કરવાની તાકીદ કરવામાં આવી હતી, જેનાથી અકળાઇ ઊઠેલાં ગ્રામજનોએ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીથી માંડીને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ઉપરાંત અનેક સત્તાધીશો સમક્ષ રજૂઆત કરી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. એમ.એન. પટેલે લેખિતમાં 28મી જૂનના રોજ ગમાનપુરા પ્રાથમિક શાળા તથા લક્ષ્મીપુરા ( દેકાવાડા ) પ્રાથમિક શાળાના આચાર્યોને રૂબરૂમાં બોલાવ્યા હોવાનું જણાવ્યું હતું, પરંતુ કોઇ જ પરિણામ નહીં આવતાં આખરે કંટાળેલાં ગ્રામજનોએ શાળાના વિદ્યાર્થીઓ સાથે દેત્રોજ તાલુકામાં આક્રોશ રેલી કાઢી હતી, જેમાં વિદ્યાર્થીઓ, વાલીઓ સહિત ગ્રામજનો જોડાયાં હતાં. આ રેલી તાલુકા વિકાસ અધિકારીની કચેરીએ પહોંચી હતી. તાલુકા વિકાસ અધિકારીની ઓફિસની બહાર જ વાલીઓ, વિદ્યાર્થીઓ બેસી ગયા હતા. એક સમયે પોલીસ અને ગામના આગેવાનો તથા સામાજિક કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ હતી. જોકે પાછળથી પોલીસ અધિકારી બી.એચ. ઝાલાએ દરમિયાનગીરી કરીને ગામના પ્રતિનિધિ મંડળની તાલુકા વિકાસ અધિકારી ડી.જી. દેસાઇ સાથે મુલાકાત કરાવીને મામલો થાળે પાડ્યો હતો.

નાનાં નાનાં ભૂલકાંએ તડકામાં હાથમાં સ્લેટ લઈને ઊભાં રહીને વિરોધ પ્રગટ કર્યો હતો.
                                 નાનાં નાનાં ભૂલકાંએ તડકામાં હાથમાં સ્લેટ લઈને ઊભાં રહીને વિરોધ પ્રગટ કર્યો હતો.                                                                                                                                                                                                                                                                                                   *રાજ્યકક્ષાના શિક્ષણમંત્રીએ ભલામણ કરી હતી છતાં..
ગમાનપુરા ગ્રામપંચાયતના સરપંચની રજૂઆતના પગલે રાજ્યના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના રાજ્યકક્ષાના મંત્રી તરફથી 18 ડિસેમ્બર-2021 અને 15 જૂન-2022ના રોજ રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકને ગ્રામજનોની રજૂઆત પરત્વે કાર્યવાહી કરવા વિનંતી કરી હતી પણ કોઇ જ સકારાત્મક પરિણામ આવ્યું નહોતું.

*મેડિકલ ઓફિસરે શું આપ્યો અભિપ્રાય
ગમાનપુરા પ્રાથમિક શાળામાં ગઈ તા.24-6-2022ના રોજ કન્યા કેળવણી મહોત્સવમાં ભાગ લેવા ગયેલા મેડિકલ ઓફિસરે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતો પત્ર ગ્રામજનોને આપ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવમાં શાળા પરિવાર તથા ગ્રામજનોનો ઉત્સાહ ખૂબ જ હતો. ગમાનપુરા ગામના ગ્રામજનો તથા એસ.એમ.સી. અધ્યક્ષ દ્વારા ધો.6થી 8ની શાળા શરૂ કરવાની રજૂઆત કરી હતી. શાળાની ભૌતિક સુવિધા તથા મેદાન પરિસર જોતાં તેમની માગણી યોગ્ય જણાઈ છે. ધો. 6થી 8ના વિદ્યાર્થીઓની સંખ્યા 27 છે. તો આ અંગે ઘટતું કરવા વિનંતી કરી છે.

*ગ્રામ સભામાં શું લેવાયા નિર્ણય
દેત્રોજ તાલુકાના ગમાનપુરા ગામના સરપંચ-સભ્યો દ્વારા તા.28મી જૂન-2022ના રોજ સામૂહિક ગ્રામ સભા કરીને ગમાનપુરા ગામની પ્રાથમિક શાળામાં ધો.6,7,8ના વર્ગો પુનઃ ચાલુ કરવાની માગ પાછલાં બે વર્ષથી કરવામાં આવતી હોવા છતાં આજદિન સુધી રાજ્ય સરકારના સંબંધિત અધિકારીગણ દ્વારા કોઇ જ નિર્ણય કરવામાં આવ્યો ન હોવાથી સામૂહિક રીતે નિર્ણય કરીને શાળામાં બાળકોને નહીં મોકલવાનો નિર્ણય કર્યો હતો. તેની સાથે આજથી ગમાનપુરા ગામની માગ મુજબ ધો.6,7,8ના વર્ગો ચાલુ કરવા માટે લડત ચાલુ કરવાનો પણ નિર્ણય કર્યો હતો, એ અંગે ઠરાવ પસાર કર્યા હતા.

ડાબી બાજુની તસવીર ગમાનપુરા અને જમણી બાજુ લક્ષ્મીપુરા ગામની શાળાની છે. ગુમાનપુરાની શાળામાં ધો. 6થી 8 વર્ગો બંધ કરી લક્ષ્મીપુરા ગામમાં ખસેડવામાં આવતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.
ડાબી બાજુની તસવીર ગમાનપુરા અને જમણી બાજુ લક્ષ્મીપુરા ગામની શાળાની છે. ગુમાનપુરાની શાળામાં ધો. 6થી 8 વર્ગો                                                              બંધ કરી લક્ષ્મીપુરા ગામમાં ખસેડવામાં આવતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.

*શું છે ઠરાવો

  1. ગમાનપુરા ગામે ગ્રામજનોની માગ મુજબ કાર્યવાહી ન થાય ત્યાં સુધી સરકારી તમામ કાર્યક્રમોનો સામૂહિક બહિષ્કાર કરવાનું નક્કી કર્યું
  2. ગમાનપુરા ગામે સરકારી કામ કરવા આવતા તમામ કર્મચારીઓનો બહિષ્કાર કરવામાં આવે છે.
  3. ગમાનપુરા ગામે સરકારી કામ અર્થે આવતા તમામ રાજકીય પક્ષના કાર્યકરો, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓનો સામૂહિક બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે.
  4. આ પ્રશ્ન માટે લડત આપવા માટે ગમનપુરા શિક્ષણ અધિકાર સમિતિનું ગઠન કરવામાં આવ્યું.
  5. આ પ્રશ્ન માટે શિક્ષણ અધિકાર સમિતિના નેજા હેઠળ અહિંસક આંદોલન ચલાવવા તેમ જ સંબંધિતોને આ નેજા હેઠળ રજૂઆત કરવાનું નક્કી કરાયું.

*શાળા બંધ કરશો, તો દીકરીઓનું શું થશે ?
ગમાનપુરા ગામના વિદ્યાર્થીઓ, વાલીઓ તથા ગ્રામજનોની આક્રોશ રેલીમાં વિદ્યાર્થીઓએ હાથમાં સ્લેટ તથા પૂઠાં પર સૂત્રો લખેલા દર્શાવ્યા હતા, જેમાં શાળા બંધ કરશો તો દીકરીઓનું શું થશે, ભણવું અમારો હક છે, ન્યાય આપો, અમને ન્યાય આપો, ગમાનપુરાની શાળા ચાલુ કરો, અમારે ભણવું છે, અમને ભણવા દો. શું ભણવાનો હક માગવો ગુનો છે, અમારું શું વગેરે પ્રકારના સૂત્રો દર્શાવ્યા હતા અને અમારી માંગો પૂરી કરો, ગમાનપુરાની શાળા ચાલુ કરો વગેરે પ્રકારના સૂત્રોચ્ચારો પોકાર્યા હતા. આ આક્રોશ રેલી સૂત્રોચ્ચાર કરતાં કરતાં તાલુકા વિકાસ અધિકારીની કચેરીએ પહોંચી હતી.

*તાલુકા વિકાસ અધિકારીને વિદ્યાર્થિનીઓએ સ્લેટો અર્પણ કરી
વિદ્યાર્થિનીઓએ દેત્રોજ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી ( TDO ) દેસાઈને વિદ્યાર્થિનીઓએ ગુજરાતના મુખ્યમંત્રીને સ્લેટ પહોંચાડવા માટે પાંચ જેટલી સ્લેટ અર્પણ કરી હતી, જેમાં એક સ્લેટમાં ગમાનપુરાના વિદ્યાર્થીઓ તથા ગ્રામજનોએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને ઉદ્દેશીને લખ્યું હતું કે દેત્રોજના ગમાનપુરા ગામે ધો.6,7,8ના વર્ગો કયારે શરૂ કરશો? ન્યાય, આપો અમને ન્યાય આપો, ધો.6થી8ની ગમાનપુરા શાળા ચાલુ કરો, વગેરે પ્રકારનાં સૂત્રો લખ્યાં હતા.

*તો કેવી રીતે ભણશે બાળકો? : સામાજિક કાર્યકર
દેત્રોજ તાલુકાના રામપુરા ગામના રહીશ અને સામાજિક કાર્યકર કનુભાઇ મંગળભાઇ સોમેસરાએ જણાવ્યું હતું કે ગમાનપુરા શાળાને તાળાબંધી કરવામાં આવી હતી. ત્યારે અમે શાળાની મુલાકાત લીધી હતી. અમે સરકારને કહેવા માગીએ છીએ કે શાળામાં બાળકોની સંખ્યા વધે તે માટે શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમો યોજી રહી છે. ભણશે ગુજરાત, રમશે ગુજરાતના કાર્યક્રમો યોજી રહ્યા છે. ત્યારે ગમાનપુરા પ્રાથમિક શાળામાં ધો.6,7,8ના વર્ગો બંધ કર્યા છે. ગ્રામજનોનો આક્રોશ હોવાથી શાળાને તાળાબંધ કરી છે. તો કેવી રીતે ભણશે બાળકો ?

*ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે – સરપંચ – ગમાનપુરા ગ્રામપંચાયત
ગમાનપુરા ગ્રામપંચાયતના સરપંચ તથા માજી શિક્ષક દીપસંગજી ધોળાજીએ જણાવ્યું હતું કે અમારું આંદોલન ગમાનપુરા ગામમાં ધો.6થી 8 શાળા રાબેતા મુજબ ચાલતું હતું. આ વર્ગોને નજીકની શાળામાં મર્જ કરી દીધી છે. એ બાબતે અમે આંદોલન કરી રહ્યા છે. આંદોલનના ભાગરૂપે શાળા બંધ કરીને તાળાં મારી દીધાં છે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખીશું.

વર્ષોથી ચાલતી શાળાના વર્ગો બંધ કરવા સામે વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનોની દેત્રોજમાં આક્રોશ રેલી નીકળી હતી.
        વર્ષોથી ચાલતી શાળાના વર્ગો બંધ કરવા સામે વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનોની દેત્રોજમાં આક્રોશ રેલી નીકળી હતી.                               

*ન્યાય નહીં તો પંચાયતના તમામ સભ્યો રાજીનામાં ધરી દેશે: માજી સરપંચ
ગમાનપુરા ગ્રામપંચાયતના માજી સરપંચ કનુભાઇ અમારી શાળા બે વર્ષ પહેલાં ધો.1થી 8ના વર્ગો ચાલતા હતા. 2020 પછી અમારી શાળાને બાજુના ગામમાં મર્જ કરી દીધી છે. એના વિરોધમાં અમે બે વર્ષથી લડતા આવ્યા છીએ. ન્યાય નહીં મળતાં આખરે શાળાએ તાળાંબંધી કરીને બેઠા છે. જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. જો આ અંગે આગામી સમયમાં નિર્ણય નહીં થાય તો અમારી પંચાયતની બોડી સામૂહિક રાજીનામાં સરકારને ધરવા તૈયાર છીએ.

*તમારું નાક ના કપાય એ માટે શાળા તાત્કાલિક ચાલુ કરો: સામાજિક કાર્યકર કિરીટ રાઠોડ                                                                                    સામાજિક કાર્યકર કિરીટ રાઠોડે જણાવ્યું હતું કે નવસર્જન ટ્રસ્ટ અને દલિત અધિકાર મંચ દ્વારા દેત્રોજ, વિરમગામ, માંડલમાં જાગૃતિ અભિયાનનું કામ કરીએ છીએ. અમે આ આંદોલનને સમર્થન આપ્યું છે. સરકારને કહેવા માગીએ છીએ કે તમે જ પ્રવેશોત્સવના તાયફાઓ કરો છો. એની જગ્યાએ ગામમાં જે શાળાઓ છે એ ચાલુ રાખો એ પ્રકારનાં પગલાં લેવાની ખાસ જરૂર છે. જો શાળાઓ ચાલુ નહીં હોય તો બાળકો ભણશે કેવી રીતે? રમશે કેવી રીતે? પ્રવેશોત્સવ કેવી રીતે થશે?

       તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ આજે આક્રોશ રેલી કાઢી હતી, જેમાં વિદ્યાર્થીનીઓએ તાલુકા વિકાસ અધિકારીના માધ્યમથી મુખ્યમંત્રીને અમારી ગામના શાળાના ધો.6,7, અને 8 ક્યારે શરૂ કરવા માગો છો. તો હું મુખ્યમંત્રીને પૂછવા માગું છું કે જો સરકારમાં ત્રેવડ હોય તો આ બાળકોનો જવાબ આપીને બતાવે. આ ગમાનપુરા ગામમાં શાળામાં વર્ગો ચાલુ હતા, એ ચાલુ કરીને બતાવે અને રાજ્યના શિક્ષણમંત્રીને પણ પ્રશ્ન પૂછવા માગીએ છીએ કે તમે શિક્ષણની સારી નીતિની વાત કરો છો. તો ગુજરાતમાં ગમાનપુરા જેવાં હજારો ગામડાં છે, જે મર્જ કરવાની નીતિના કારણે અનેક બાળકોના ભવિષ્ય અંધકારમાં મુકાઇ ગયાં છે. અહીં ગમાનપુરા ગામનાં બાળકો બાજુમાં ત્રણ કિલોમીટર દૂર લક્ષ્મીપુરા કોઇપણ સુવિધા નહીં હોવા છતાં શાળા મર્જ કરી છે. તો મોટા ભાગની દીકરીઓ ભણે છે. અહીં ગ્રામજનો મજૂરી કરે કે દીકરા-દીકરીઓને મૂકવા જાય. ટ્રાન્સપોર્ટેશનની વાત કરે છે, પણ એ કેટલી અમલમાં છે એ પણ જોવાનું થાય છે. બહુ જ દુઃખની વાત છે કે છેલ્લાં બે વર્ષથી આંદોલન થતું હોય. મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, ડીપીઓ સુધી આ વાત પહોંચી હોય તેમ છતાં આ સરકારી તંત્રનું પેટનું પાણી ના હલે અને ગ્રામજનોએ તાળાંબંધી કરવી પડે તેમ છતાં પણ કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી કે સ્થાનિક અધિકારી જોવા પણ ન આવે તો આ લોકશાહી છે કે કેમ એની સામે બહુ મોટો પ્રશ્ન ઊભો થયો છે. તો આ દેશના તમામ નાગરિકોને શિક્ષણ મેળવવાનો અધિકાર હોય તો આ સરકાર તરાપ ના મારી શકે. રાજય સરકારને કહેવા માગીશ કે તમારી શાન ઠેકાણે લાવવા માટે આ ગ્રામજનોએ અનેક કાર્યક્રમો આપવાના છે, જેમાંનો એક કાર્યક્રમ ગ્રામપંચાયતના સરપંચથી માંડીને દરેક સભ્ય રાજીનામાં આપી દેશે. જરૂર પડયે રોડ-રસ્તા ચક્કાજામ કરી દેવામાં આવશે અને ગમાનપુરાથી ગાંધીનગર સુધીની યાત્રા કાઢવામાં આવશે. આ બધા કાર્યક્રમો ના થાય અને તમારું નાક ના કપાય એ માટે ધો.6થી 8ના વર્ગો ફરીથી ચાલુ કરવા અમે માગણી કરીએ છીએ.

વિદ્યાર્થિનીઓએ મુખ્યમંત્રીને પહોંચાડવા સ્લેટો તાલુકા વિકાસ અધિકારીને અર્પણ કરી હતી.
                             વિદ્યાર્થિનીઓએ મુખ્યમંત્રીને પહોંચાડવા સ્લેટો તાલુકા વિકાસ અધિકારીને અર્પણ કરી હતી.                                                    

*દીકરીઓ ભણવા તૈયાર, પણ કોઈ ભણાવવા તૈયાર નથી- વિદ્યાર્થિની
ધો.8માં અભ્યાસ કરતી પ્રિયા રબારીએ જણાવ્યું હતું કે 2020થી અમારી શાળા બંધ છે. બે વર્ષથી અમારું ભણતર બગડે છે. સરકાર અમારી ધો.6થી 8ની શાળા શરૂ નથી કરતી, જેથી અમને ભણવામાં ખૂબ તકલીફ પડે છે. બે વર્ષથી અમે કશું ભણ્યા નથી. સરકારને વિનંતી છે કે અમારી શાળા તાત્કાલિક ચાલુ કરે. અમારા ગામના સરપંચ સહિત બધા ધક્કા ખાય છે, પણ કોઇ જવાબ આપતું નથી. સરકાર કહે છે કે દીકરીઓને ભણાવો, અમે દીકરીઓ ભણવા તૈયાર છીએ, પણ અમને ભણાવવા કોઇ તૈયાર નથી. તો અમારી વિનંતી છે કે ધો.6થી 8ની શાળા શરૂ કરે.

*સરકાર અમારું ભણતર બગાડે નહીં : ધો.8ની વિદ્યાર્થિની
ગમાનપુરા પ્રાથમિક શાળામાં ધો.8માં ભણતી નાડિયા શ્રદ્ધાએ કહ્યું હતું કે મારી શાળા બે વર્ષથી બંધ હોવાના કારણે અમે દીકરીઓનું ભણવાનું બગડી રહ્યું છે. સરકારને વિનંતી છે કે અમારી શાળા શરૂ કરે અને ધો.6થી 8ના વર્ગ ફરીથી શરૂ કરે. જેમ અમે પહેલાં ભણતાં હતાં ેમ અત્યારે પણ ભણીએ, સરકારને વિનંતી છે કે શાળા ચાલુ કરે અને અમારું ભણતર બગાડે નહીં. સરકાર ચાહે છે કે દીકરીઓ ભણે અને આગળ વધે તો તેમને વિનંતી છે કે ધો.6થી 8ના વર્ગો ચાલુ કરે.

*મારાં મા-બાપ મજૂરી કરીને મને ભણાવે છે: વિદ્યાર્થી
ધો.8માં અભ્યાસ કરતાં બળદેવસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે મારાં મા-બાપ ગરીબ છે અને મજૂરી કરીને મને ભણાવે છે અને સરકાર અમારી શાળા બંધ કરી છે, તો સરકારને વિનંતી છે કે અમારી શાળા શરૂ કરો. અમારે બાજુના ગામમાં ભણવા જવું પડે છે. તો અમારી વિનંતી છે કે સરકાર અમારી શાળા શરૂ કરે.

*માત્ર એક જ સંખ્યા ઓછી હોવા છતાં શાળા મર્જ કરી દીધી: એસ.એમ.સી. અધ્યક્ષ
પ્રાથમિક શાળામાં એસ.એમ.સી. અધ્યક્ષ હેમરાજ દેસાઇએ જણાવ્યું હતું કે અમારી શાળા 2020થી સરકારના નિયમથી સંખ્યાના અભાવથી મર્જ કરી હતી. અમારી શાળા પણ મર્જ કરી હતી. અમારી શાળામાં એક જ ઓછી હતી. અમારે દીકરીઓને ભણાવવાની ઘણી અભિલાષા હતી. બાજુના ગામમાં મર્જ કરી છે, ત્યાં સુવિધા નથી. આવવા-જવા માટે કેનાલ મોટી છે. દીકરીઓ માટે રિસ્કી છે. અમે ઘણી ઝુંબેશ ચલાવી. ડીપીઓને રજૂઆત કરી, મુખ્યમંત્રીને ટપાલ કરી. અમે ઘણા કાર્યક્રમો કર્યા પણ કોઇ જ કાર્યવાહી થતી નથી. શાળા બંધ કરીને બેઠા છે તો પણ કોઇ જોવા આવ્યું નથી. તો વહેલી તકે આ શાળાના વર્ગો ચાલુ થાય. બેટી પઢાવો, બેટી બચાવોના કાર્યક્રમો યોજે છે, પણ અહીં તે લાગુ પડતું નથી.

*અમે મજૂરી કરીએ કે દીકરીઓને ભણાવીએ : નાની બહેન
અમે દીકરીઓને ક્યાં મોકલીએ. મજૂરી કરવી કે અમે ભણાવીએ. એટલી અમારી વિનંતી છે કે શાળા ખોલો અમારી. દીકરીઓને અત્યારે બહાર મોકલવા જેવો જમાનો નથી. કોઇ સરકાર અમારા ગરીબનું સાંભળતી નથી. શું કરીએ કહો તમે, અમને જવાબ આપો.

*શું કહે છે તાલુકા વિકાસ અધિકારી ?
દેત્રોજ તાલુકા વિકાસ અધિકારી ડી.જી. દેસાઇએ જણાવ્યું હતું કે આજરોજ ગમાનપુરા ગામનાં ગ્રામજનો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને તાલુકાના આગેવાનો આ તાલુકામાં જે શાળાઓને મર્જ કરવામાં આવી છે. એને કારણે બાળકોને જે મુશ્કેલીઓ પડે છે એની રજૂઆત છેલ્લા એક વર્ષથી ચાલી રહી છે. એના અનુસંધાને ઉગ્ર રજૂઆત થઇ હતી. એ રજૂઆતને ધ્યાને નહીં લેવામાં આવતાં આજરોજ તાલુકા પંચાયત કચેરીમાં અમારી સમક્ષ આવેદનપત્ર રજૂ કરેલું છે. આવેદનપત્ર તાત્કાલિક જિલ્લાકક્ષાએ મોકલી આપીશું અને તેમની રજૂઆતને વાચા મળે એવો પૂરતો પ્રયત્ન કરીશું.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                              અહેવાલ – વિજયસિંહ દરબાર 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *