કેનાલમાં પડ્યો હોવાની આશંકાએ તરવૈયા દ્વારા આઠ કલાક શોધખોળ
થરાદથી બુધવારે ગામડે જવાનું કહીને નિકળેલા યુવકનું બાઇક ગુરુવારે સવારે નહેર પરથી મળતાં ચકચાર મચી હતી. જો કે આઠ કલાક નહેરમાં શોધખોળ કરવા છતાં પણ કોઇ ભાળ નહી મળતાં પરિવારે પોલીસ મથકમાં પણ જાણ કરી હતી. મૂળ થરાદના ભોરડું ગામના વતની અને ઘણા સમયથી થરાદમાં પરિવાર સાથે રહેતા પ્રવિણભાઈ જટાશંકર શર્મા (ઉં.વ.45) 26મી જાન્યુઆરીના દિવસે સવારે નવેક વાગ્યે ઘેરથી ભોરડું જવાનું કહીને બાઇક ઉપર નિકળ્યા હતા.
તેઓ ઘણા સમય સુધી ભોરડું ન જતાં અને ફોન પણ સ્વીચ ઓફ આવતો હોઇ પરિવાર અને સંબંધીઓએ આખો દિવસ શોધખોળ કરવા છતાં પણ પત્તો લાગ્યો ન હતો. જ્યારે સાંજે પાંચ વાગ્યા આસપાસ પ્રવિણભાઇના નંબર ઉપર લાગેલો ફોન કોઈ અજાણ્યા લોકોએ ઉપાડતાં તેમણે વાવના બિયોક પાસે કેનાલ પરના એક ખેતરના ઘરના દરવાજા આગળ સવારના અગિયારક વાગ્યાથી પડેલું બાઇક ચેક કરતાં મળેલો મોબાઇલ ચાલુ કર્યો હોવાનું જણાવ્યું હતું.
આથી પરિવાર દ્વારા તરવૈયા સુલતાન મીર અને તરવૈયાની મદદથી સવારે દસ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી એક થી દોઢ કિ.મી. સુધી કેનાલમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જો કે એક રાહદારીએ યુવકને ડેલ અને અન્ય એક રાહદારીએ તેને થરાદના નાગલાની સીમમાં જોયો હોવાનું અને એક હોટલ માલિકે પૌઆ પણ ખાધા હોવાનું પણ જણાવ્યું હતું.પરિવાર દ્વારા શોધખોળના અંતે થરાદ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. મધ્યમ વર્ણના આંખે ચશ્માં ધરાવતા યુવક અંગે કોઈને આ અંગેની જાણ થાય તો 9879958555 નંબર ઉપર સંપર્ક કરવા વિનંતી પણ કરાઈ હતી.