આર્ટસ માટે 20 અને સાયન્સ માટે 20. કુલ 40 રૂમ
કોરોનાના સમયથી હોસ્ટેલ બંધ છે
આ હોસ્ટેલ શરૂ કરવા વિદ્યાર્થીઓની માંગ વધી રહી છે
જુનાગઢ બહાઉદ્દીન કોલેજની 40 રૂમ ધરાવતી હોસ્ટેલ કોરોનાના સમયથી બંધ કરાઇ હતી. આજે 2 વર્ષ પછી પણ તેના તાળા ખુલ્યા ન હોય જેથી ગરીબ વિદ્યાર્થીઓને મોંઘા ભાવના રૂમ ભાડે રાખી અભ્યાસ કરવો પડી રહ્યો છે. ત્યારે આ હોસ્ટેલ શરૂ કરવા છાત્રોમાંથી માંગ ઉઠી રહી છે.

40 રૂમ ધરાવતી આ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ રહીને અભ્યાસ કરતા
અંદાજીત 100 વર્ષ કરતાં પણ જૂની બહાઉદ્દીન કોલેજમાં આર્ટસ અને સાયન્સ ભણતા વિદ્યાર્થીઓ માટે બિલખા રોડ ઉપર બનાવવામાં આવી છે. પરંતુ આ હોસ્ટેલ અત્યંત જર્જરિત હાલતમાં થઈ ગઈ છે અને ગમે ત્યારે પડે તેવી શક્યતા છે. બે વર્ષ પહેલા એટલે કે કોરોનાકાળ અગાઉ 40 રૂમ ધરાવતી આ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ રહીને અભ્યાસ કરતા હતા.

ભાડે રૂમ રાખીને વિદ્યાર્થીઓને રહેવું પડે છે
પરંતુ કોરોનાના બે વર્ષ બાદ પણ આજ દિન સુધી હોસ્ટેલ શરૂ કરવામાં આવી નથી. જેને લઇને બહારગામથી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલી પડી રહી છે. કારણ કે હોસ્ટેલની સુવિધા ન હોવાને કારણે આજુબાજુના વિસ્તારમાં ભાડે રૂમ રાખીને વિદ્યાર્થીઓને રહેવું પડે છે.

બિલ્ડીંગને રિપેર કરવા આરએન્ડબીને અનેક વખત રજૂઆત
આર્ટસના 20 અને સાયન્સના 20 મળી કુલ 40 રૂમો સાથેની હોસ્ટેલ છે. પરંતુ તેનું બિલ્ડીંગ અત્યંત જર્જરિત થઇ ગયું છે. પરિણામે આ હોસ્ટેલ રહેવા લાયક નથી. બિલ્ડીંગ પડે તો કોઇ ઇજાગ્રસ્ત પણ બની શકે છે. માટે છાત્રોને રહેવા દઇ શકાય તેમ ન હોય હોસ્ટેલ બંધ રખાઇ છે. દરમિયાન આ બિલ્ડીંગને રિપેર કરવા અથવા રિનોવેશન કરવા આરએન્ડબીને અનેક વખત રજૂઆત કરાઇ છે.

અંદાજિત 60 જેટલા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા
જોકે, તેમના અધિકારીઓ પણ ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત હોય કોઇ કામગીરી હાથ ધરી શકાઇ નથી. છત્તાં રજૂઆત ચાલુ છે કે જલ્દીથી બિલ્ડીંગનું રિનોવેશન કે રિપેરીંગ થાય જેથી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ફાળવી શકાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આમ હોસ્ટેલ બંધ હોવાને કારણે અંદાજિત 60 જેટલા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે અને મોંઘાદાટ રૂમો ભાડે રાખીને અભ્યાસ કરી રહ્યાં છે.