સુરત નજીક પલસાણા તાલુકાના બલેશ્વર ગામની સીમમાં ને.હા.નં. ૪૮ પર પલસાણા તરફ જતી ઇનોવા ગાડી અચાનક ઉછળીને ડિવાઇડર કુદી સામેના ટ્રેક પર ટ્રક સાથે અથડાતાં ગોઝારો અકસ્માત થયો હતો. ટ્રકના અડફટે ઇનોવા ૫૦૦ થી ૭૦૦ મીટર ઘસડાતાં ઇનોવામાં બેઠેલા ૧૨માંથી ૧૦ના કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં. ઇનોવા સવાર કડોદરાના યુવાનો બપોરના સમયે સાપુતારા ફરવા જવા નીકળ્યા હતા.
ઘટનાસ્થળેથી પ્રાપ્ત વિગત મુજબ પલસાણા તાલુકાના કડોદરા ખાતે મગનવાડીની સામે પ્રિયંકા ગ્રીનસીટી વિસ્તારમાં તેમજ સુરત ખાતે રહેતા ૧૨ યુવાન મિત્રો ઇનોવા ગાડી (નં. જીજે-૬-ઇડી- ૦૭૭૬) લઇને આજે રક્ષાબંધનના તહેવારની રજામાં બપોરના સમયે સાપુતારા ફરવા જવા માટે નીકળ્યા હતા.
દરમિયાન ને.હા. નં. ૪૮ પર કડોદરાથી થોડે દુર પલસાણા તરફ જતા રોડ પર ઇનોવા ચાલકે પૂરઝડપે હંકારી બલેશ્વર ગામની સીમમાં ઇનોવા અચાનક ઉછળીને ડિવાઇડર કુદી સામેના ટ્રેક પર ટ્રક (નં. જીજે-૩૧-ટી- ૩૬૯૬)ની સાથે ધડાકાભેર અથડાઇ હતી. ટ્રક પણ સ્પીડમાં જતી હોવાથી અચાનક સામેની ટ્રેક પરથી આવીને ભટકાયેલી ઇનોવાને ૫૦૦ થી ૭૦૦ મીટર સુધી ખેંચી જતાં ઇનોવા ગાડીમાં બેઠેલા તમામ ૧૨ યુવાનો અંદર જ દબાઇ ગયા હતા. ઇનોવા ગાડીને ક્રેઇનથી કાઢીને પતરા કાપી યુવાનોને બહાર કાઢ્યા હતા.
ઇનોવા ગાડીમાંથી છ યુવાનોને બેભાન અવસ્થામાં સુરત સ્મીમેર હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જેમાંથી ૪ યુવાનના મોત નીપજ્યાં હતાં. જ્યારે સ્થળ પર જ ૬ યુવાનના કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં.
અકસ્માત એટલો ગંભીર હતો કે, ઇનોવા ગાડીનો તો કચ્ચરઘાણ વળી ગયો હતો. તેનું એક વ્હીલ પણ છુટું પડી ગયું હતું. જ્યારે મૃત પૈકી એક યુવાનનું માથું ધડથી અલગ થઇ ગયું હતું. પલસાણા પોલીસે તમામ મૃતકોની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત: બલેશ્વર હાઇવે પર ઇનોવા ટ્રક વચ્ચે અકસ્માત: 10 યુવાનના મોત
Views 68