ભારત અને ન્યુઝીલેન્ડ (Ind Vs Nz) વચ્ચેની T20 મેચોની આ શ્રેણીમાં, અત્યાર સુધી દરેક મેચ માટે દર્શકોને સ્ટેડિયમની સંપૂર્ણ ક્ષમતા મુજબ પ્રવેશ આપવાની મંજૂરી આપવામાં આવી હતી.
પરંતુ મુંબઈ (Mumbai Test) માં રમાનારી બીજી ટેસ્ટ મેચમાં આવું નહીં થાય. વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium) માં ટેસ્ટ મેચ માટે દરરોજ માત્ર 25 ટકા દર્શકોને જ પ્રવેશની મંજૂરી આપવામાં આવી છે. જેણે ચાહકો તેમજ મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA)ને નિરાશ કર્યા છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ રમાઈ રહેલી આ શ્રેણીની બીજી મેચ 3 ડિસેમ્બરથી ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમમાં શરૂ થશે. આ મેચ સાથે પાંચ વર્ષની લાંબી રાહ બાદ મુંબઈમાં ટેસ્ટ ક્રિકેટ પરત ફરી રહ્યું છે. 2011 ભારતના વિશ્વકપ વિજેતા બનવાનુ સાક્ષી રહેલ આ મેદાનમાં અંતિમ ટેસ્ટ મેચ 2016માં રમાઇ હતી. જેમાં ભારતે ઇંગ્લેન્ડને હરાવ્યુ હતુ. ત્યારથી અહીં ટેસ્ટ મેચની રાહ જોવાઈ રહી હતી. હવે આ રાહ પૂરી થઈ રહી છે અને ભારતીય ટીમ ફરીથી આ મેદાન પર પરત ફરી રહી છે, પરંતુ આ સાથે દર્શકોની વાપસીના મામલે થોડી નિરાશા થઈ છે.
50% ના પ્રયાસમાં MCA
બીજી ટેસ્ટ મેચ રમાનાર છે એ મુંબઇ જે કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત શહેરોમાંથી એક છે. આ જ કારણ છે કે મહારાષ્ટ્ર સરકારે હાલમાં દર્શકોને સંપૂર્ણ ક્ષમતાથી પાછા ફરવાની મંજૂરી આપી નથી. એમસીએને પ્રેક્ષકોની ક્ષમતામાં 50 ટકા વધારો કરવાની પરવાનગી મળવાની આશા છે. ન્યૂઝ એજન્સીએ એમસીએના એક અધિકારીને ટાંકીને કહ્યું, મહારાષ્ટ્ર સરકારના મુખ્ય સચિવ દ્વારા હસ્તાક્ષર કરાયેલા સામાન્ય આદેશ મુજબ, 25 ટકા પ્રેક્ષકોને વાનખેડે ટેસ્ટ માટે મંજૂરી આપવામાં આવશે. એમસીએ અપેક્ષા રાખે છે કે તેઓ 50 ટકા પ્રેક્ષકોને પણ મંજૂરી આપી શકે છે.
કોહલી સાથે વાનખેડેમાં ક્રિકેટ પરત ફરી રહી છે
વાનખેડે સ્ટેડિયમ, જે ભારતની ઘણી ઐતિહાસિક જીતનું સાક્ષી છે, ત્યાં 30,000 દર્શકોની બેઠક ક્ષમતા છે. આ મેચ સ્થળ પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટના પુનરાગમનને પણ ચિહ્નિત કરશે કારણ કે ગયા વર્ષે COVID-19 રોગચાળાને કારણે રમતગમતના આયોજનો સ્થગિત કરવામાં આવ્યા હતા. આ સાથે ટીમ ઈન્ડિયાનો ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) પણ આ મેચ સાથે મેદાનમાં પરત ફરશે. T20 વર્લ્ડ કપ 2021માં ટીમની શરૂઆતની હાર બાદ કોહલીએ થોડો સમય વિરામ લીધો હતો, જેના કારણે તે T20 સિરીઝ અને ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ માટે ઉપલબ્ધ નહોતો.
