સમગ્ર ગુજરાત સહિત પંચમહાલ જિલ્લામાં પણ ચૂંટણી યોજાનાર છે ત્યારે કાલોલ તાલુકા વિસ્તારમાં આગામી ૧૯ ડિસેમ્બરે ૪૪ ગ્રામ પંચાયતોમાં યોજાનાર ચૂંટણી માટે ગ્રામ્ય વિસ્તારોમાં ભર શિયાળે ગરમાવો છવાઈ ગયો છે. દરેક પંચાયતના સરપંચ બનવા માટે સરપંચના દાવેદારોએ હોડ જમાવી દીધી છે.
જેથી ૪૪ ગ્રામ પંચાયતોની યોજાનાર ચૂંટણી રસાકસીભરી બની રહે તેવો ચુંટણી માહોલ સર્જાયો છે. જોકે આ વખતે ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરપંચોની અનામત બેઠકમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે જેથી જાતીના સમીકરણોમાં પણ ઉલટફેર સર્જાઈ શકે છે.
તેમ છતાં કાલોલ તાલુકા વિસ્તારમાં ૪૪ ગ્રામ પંચાયતોની ચૂંટણી એ માત્ર ગ્રામ પંચાયત પુરતી સિમિત નહીં રહેતા વિધાનસભાનો રોડમેપ બની રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને કાલોલ તાલુકા વિસ્તારમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને વિધાનસભામાં ભાજપ પ્રભુત્વ ધરાવે છે.
જેથી આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ પુર્વે સત્તારૂઢ ભાજપ દ્વારા ૪૪ ગ્રામ પંચાયતોમાં પોતાની વોટબેંક જાળવવા માટે ચૂંટણી પહેલા જિલ્લા તંત્રની પરિયોજના હેઠળ આત્મનિર્ભર ગ્રામ યાત્રાના રથ દ્વારા ધારાસભ્ય, તાલુકા પંચાયત પ્રમુખ અને સભ્યો દ્વારા તાલુકાના ૫૮ જેટલા ગામોમાં પહોંચી વિવિધ સરકારી યોજનાઓના કામનું ખાતમુહૂર્ત અને ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.ટૂંકમાં કાલોલ તાલુકા વિસ્તારમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી દ્વારા ભાજપે પોતાની બિસાત બિછાવી દીધી છે.
કાલોલ તાલુકાની ૪૪ ગ્રામ પંચાયતોની યોજાનાર ચૂંટણી માટે સરપંચની બેઠક માટે ફાળવવામાં આવેલી અનામત વ્યવસ્થા મુજબ ૧૮ ગ્રામ પંચાયતો પર બિન અનામત સામાન્ય, ૧૯ ગ્રામ પંચાયતો મહિલા, ૫ ગ્રામ પંચાયત સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત, ૪ ગ્રામ પંચાયત અનુસુચિત આદિજાતિ અને ૨ ગ્રામ પંચાયતોને અનુસુચિત જાતિ મુજબ ફાળવવામાં આવતા ઘણા ચાલુ સરપંચો અને ભાવિ સરપંચ બનવાના સપના રોળાઈ ગયા છે.
આ ૪૪ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સમરસ પંચાયતોનો દુષ્કાળ સર્જાયો છે.
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આગામી ૧૯મી ડિસેમ્બરે ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેરાત કરી દીધી છે પરંતુ કાલોલ તાલુકાની ૪૪ ગ્રામ પંચાયતો પૈકી એક પણ ગ્રામ પંચાયત સમરસ થવાના એંધાણ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૧૭માં થયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ત્રણ-ચાર ગ્રામ પંચાયતો સમરસ બની હતી,પરંતુ આ વર્ષે કોઈ સમરસ પંચાયત બનવાના એંધાણ દેખાતા નથી .
જે એક સ્થાનિક નેતાઓના ઘટતા પ્રભાવનો લોકમુખે ચર્ચાતો મુદો બન્યો છે. જોકે એ અંગે ભાજપના રાજમાં સત્તાનું વર્ગીકરણ, વિસ્તૃતિકરણ અને સોશિયલ મીડિયાના પ્રભાવને કારણે મોટાભાગના લોકોને રાજકારણમાં રસ જાગવા લાગ્યો છે જેથી ઘણા મામલે પંચાયતના સભ્ય કે સરપંચના રસ્તે નવોદિત ચહેરાઓ રાજકારણમાં પ્રવેશ કરી રહ્યા હોવાનું જોવા મળે છે.
બ્યુરો રિપોર્ટ – ભાવિનભાઈ પરમાર પંચમહાલ
કાલોલ તાલુકાના ૪૪ ગ્રામ પંચાયતોની ચૂંટણી એટલે કાલોલ વિધાનસભાના સમીકરણોની શતરંજ : નેતાઓ પોતાનું પાયદળ તૈયાર કરવા માટે કમરકસી રહ્યા છે.
Views 142