ડેનમાર્ક ઓપન :પીવી સિંધુના અભિયાનનો અંત
કોરિયાની એન સે યંગ સામે સિંધુનો 11-21, 12-21થી પરાજય
સાઈના નેહવાલ પણ હારી ગઇ
ઓલિમ્પિક મેડાલિસ્ટ પીવી સિંધુ ડેનમાર્ક ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપમાંથી પરાસ્ત થતાં તેના અભિયાનનો અંત આવી ગયો હતો. બીજી તરફ મેન્સ સિંગલ્સમાં સમીર વર્માએ વિશ્વના ત્રીજા ક્રમાંકિત એન્ડર્સ એન્ટોનસેનને સીધી ગેમમાં હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. વિમેન્સ સિંગલ્સની 36 મિનિટ સુધી રમાયેલી વિમેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પાંચમી ક્રમાંકિત કોરિયાની એન સે યંગે સિંધુને 11–21, 12–21થી પરાજય આપ્યો હતો. સાઈના નેહવાલ પણ હારી ગઇ હોવાના કારણે ડેનમાર્ક ઓપનની વિમેન્સ સિંગલ્સમાં ભારતના અભિયાનનો અંત આવી ગયો છે. સિંધુએ ગુરુવારે થાઇલેન્ડની બુસાનન ઓંગબોમરંગફાનને 67 મિનિટમાં 21–16, 12–21, 21–15ના સ્કોરથી હરાવીને સંઘર્ષપૂર્ણ વિજય મેળવ્યો હતો.
વિશ્વના 28મો ક્રમાંક ધરાવતા સમીરે શાનદાર રમતનું પ્રદર્શન કરીને સ્થાનિક ડેનિશ ખેલાડી એન્ટોનસેનને 50 મિનિટ સુધી રમાયેલી મેચમાં 21–14, 21–18થી હરાવ્યો હતો. તેનો આગામી મુકાબલો 33 વર્ષીય ટોમી સુગિયાર્તો સામે થશે. અન્ય એક ભારતીય ખેલાડી લક્ષ્ય સેન ઓલિમ્પિક ચેમ્પિયન વિક્ટર એક્સેલસેનનો મુકાબલો કરી શક્યો નહોતો અને તેનો 21–15, 21–7થી પરાજય થયો હતો. સમીર અને એન્ટોનસેન વચ્ચે અગાઉ છ મુકાબલા રમાઇ ચૂક્યા છે જેમાં ભારતીય ખેલાડી એક જ મેચ જીતી શક્યો હતો.
સમીરે એસ્ટોનસેન સામે પ્રથમ ગેમમાં જ 2–0ની લીડ સાથે શરૂઆત કરી હતી અને બ્રેક સુધીમાં સ્કોર 11–6નો કર્યો હતો. તેણે ગેમના અંત ભાગમાં સતત ત્રણ પોઇન્ટ મેળવીને પ્રથમ ગેમ પોતાના નામે કરી લીધી હતી. બીજી ગેમ થોડીક રોમાંચક બની હતી અને સમીરે હાફ ટાઇમે સ્કોર 11–8નો કર્યો હતો. ત્યારબાદ તેણે ડેનમાર્કના ખેલાડીને મેચમાં પરત ફરવાની કોઇ તક આપી નહોતી.
