શ્રાવણમાં શિવનું માહાત્મ્ય

Views 76

વર્ષાની ઝરમર અને નિસર્ગની મોહક મહેક લઈ આ શ્રાવણ તો આવ્યો. હવે મંદિરોમાં ભગવાન શિવની પૂજા, અર્ચના અને ઉપાસનાનો ભક્તિભાવપૂર્ણ માહોલ રચાશે. મંદિરોમાં ભક્તોની ભીડ જામશે અને ‘ઁ નમ : શિવાય’ના મંત્રોચ્ચારથી આસપાસનું વાતાવરણ ગાજી ઉઠશે. પવિત્ર શ્રાવણ માસમાં શિવપૂજનનો મહિમા ઘણો મોટો છે. એમાંય વળી સોમવારે થતું પૂજન- અર્ચન વિશેષ ફળદાયી માનવામાં આવે છે. શ્રાવણ માસના પ્રત્યેક સોમવારે ઉપવાસ કરી, શરીર- મનથી પવિત્ર બની, વૈદિક કે લૌકિક મંત્રોથી વિધિપૂર્વક ભગવાન શિવની પૂજા કરવામાં આવે તો તેનાથી ઉપાસકને મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે અને તેનું જીવન સુખમય બને છે. શ્રાવણમાં શિવપૂજનનું મહત્ત્વ દર્શાવતી એક કથા કંઈક આ પ્રમાણે છે.
રાજા ચિત્રવર્મા શિવનો પરમ ઉપાસક હતો. તે ખૂબ શ્રદ્ધાપૂર્વક ભગવાન શિવની પૂજા કરતો હતો. સમય જતાં તેને ત્યાં એક દીકરીનો જન્મ થયો. તેનું નામ હતું સીમંતિ. દીકરીના જન્મથી રાજમહેલમાં આનંદનો ઉત્સવ હતો. દીકરી પણ સ્વરૃપવાન અને દક્ષ હતી. એક દિવસ રાજાએ જયોતિષીને બોલાવી દીકરીની જન્મકુંડળી બનાવવા કહ્યું. એ મુજબ જ્યોતિષીએ જન્મકુંડળી બનાવી રાજાને કહ્યું : ‘ રાજન ! આપની દીકરી સીમંતિ યુવાન વયે જ વિધવા થશે.’ જયોતિષીના આવા શબ્દોથી રાજમહેલમાં સૌ ચિંતામગ્ન બની ગયાં પરંતુ સીમંતિ પર તેની કોઈ અસર થઈ નહિ. તે યાજ્ઞાવલ્કય મુનિની પત્ની મૈત્રેયી પાસે ગઈ.
તેણે નમ્રભાવે કહ્યું : ‘ માતાજી ! હું આપને શરણે આવી છું. મારા સૌભાગ્યની અભિવૃધ્ધિ થાય એવો મને સદુપદેશ કરો.’ મૈત્રેયીએ તેને કહ્યું : ‘ બેટા ! તું શિવપાર્વતીના શરણે જા, તેમનું પૂજન કર. તારી મનોકામના પૂર્ણ થશે અને તું નિર્ભય બનીશ.’
ઋષિપત્નીના ઉપદેશાનુસાર સીમંતિએ પ્રત્યેક સોમવારે શ્રદ્ધાપૂર્વક શિવપાર્વતીનું પૂજનવ્રત શરૃ કર્યું. એવામાં જ નિષધ દેશના રાજા નળના પૌત્ર રાજકુમાર ચંદ્રાગદ સાથે સીમંતિનો ધામધૂમથી વિવાહ સંપન્ન થયો. રાજમહેલમાં ખુશીન ો માહોલ રચાયો. એ સમયે રાજકુમાર ચંદ્રાગદ પોતાના સસરાને ત્યાં જ હતો. બીજે દિવસે રાજકુમાર યમુના નદીમાં સ્નાન કરવા ગયો પણ આ શું ? રાજકુમાર યમુના નદીમાં ડૂબી ગયો. અને આમ સર્વત્ર શોકનું વાતાવરણ બની ગયું. સીમંતિ તો આ સમાચાર સાંભળી મૂર્છિત બની ગઈ. છેવટે માતાપિતાએ તેને ધીરજ આપી માંડમાંડ શાંત કરી. વૈધવ્યના આ દિવસોમાં પણ તેણે સોમવારનું વ્રત ચાલ્યું રાખ્યું અને ત્રણ વરસ સુધી શ્રદ્ધા અને ભક્તિભાવથી શિવપૂજન કરતી રહી.
કહેવાય છે કે યમુનામાં ડૂબેલો રાજકુમાર ચંદ્રાગદને નાગવધૂઓ પાતાળમાં લઈ ગઈ. રાજકુમારે ત્યાં નાગરાજ તક્ષકને પોતાની ઓળખાણ આપી. અને પોતે શિવભક્ત છે એમ જણાવ્યું. રાજકુમારની વાત સાંભળી નાગરાજે કહ્યું : ‘ કુમાર ! તમારું કલ્યાણ થાઓ.’
રાજકુમારે કહ્યું : ‘ નાગરાજ ! થોડા સમય પહેલાં જ મારો વિવાહ થયો છે. મારી પત્ની સીમંતિ પણ શિવપૂજનનું વ્રત કરી રહી છે. હું પણ મારાં માતાપિતાનો એકનો એક પુત્ર છું. તેઓ મને આમ મૃત્યુ પામેલો માનીને શોકમાં ડૂબી ગયાં હશે. તો કૃપા કરી મને મનુષ્યલોકમાં પહોંચાડી દો.’
નાગરજ તક્ષકની કૃપાથી રાજકુમાર ચંદ્રાગદ એ યમુના તટ પર વિહરવા લાગ્યો. તે સમયે સખીઓ સાથે યમુનાસ્નાન માટે આવેલી સીમંતિએ રાજકુમાર ચંદ્રાગદને જોયો. તેના આનંદનો પાર રહ્યો નહિ. રાજકુમાર જીવિત છે એ સમાચાર સર્વત્ર ફેલાઈ ગયા. સીમંતિએ પણ હવે વૈધવ્યનો વેશ ત્યજીને સુહાગિનીનો શણગાર ધારણ કર્યો. પછી રાજકુમાર તેને પોતાની રાજધાનીમાં લઈ ગયો. આમ સોમવારના વ્રતથી સીમંતિને સૌભાગ્ય પ્રાપ્ત થયું. આમ શ્રાવણમાસમાં શિવપૂજનનો મહિમા ઘણો મોટો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *