આગની ઘટનામાં 125 લોકોનું રેસ્કયુ કરાયુ
મજૂરોએ આગની ઝપટથી બચવા બિલ્ડિંગ પરથી કૂદી પડ્યા
ફાયરના કર્મચારીઓએ હાઇડ્રોલિક લિફ્ટથી બીજા લોકોને નીચા ઉતાર્યા હતા.
સુરતના કડોદરા GIDCમાં વહેલી સવારે સાડા ચાર વાગ્યે આગ લાગ્યાની ઘટના બની હતી. પેકેજીંગ કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કડોદરા વિસ્તારના વરોલીમાં આવેલ એક પેકેજીંગ યુનિટમાં આગ લાગ્યાની ઘટનામાં બે મજૂરના મોત થયા છે. તંત્રનો દાવો છે કે 125 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. આ સમગ્ર ઘટનાની જાણ થતા જ મામલતદાર અને કલેકટર ઘટનાસ્થળે દોડી ગયા હતા.
મળતી માહિતી પ્રમાણે એક પેકેજીંગ યુનિટમાં બધું જ સામાન્ય ચાલી રહ્યું હતું. મજૂરો પાંચમા માળે કામ કરી રહ્યા હતા અને અચાનક જ આગ લાગી હતી. આગની ઝપટમાં આવી ગયેલા મજૂરોને જોતા બીજા લોકો ભયભીત થઇ ગયા હતા. એ હદે ડરી ગયા કે ડરના માર્યા પોતાનો જીવ બચાવવા માટે પાંચમા માળથી કૂદી પડ્યા અને તેમાં જ એક મજૂરનું મોત થયું.
પેકેજીંગ યુનિટમાં આગ લાગ્યાની માહિતી મળતા ફાયરબ્રિગેડ પહોંચી ગઇ હતી. ફાયરના કર્મચારીઓએ હાઇડ્રોલિક લિફ્ટથી બીજા લોકોને નીચા ઉતાર્યા હતા. કહેવાય છે કે સોથી વધુ લોકોને પેકેજીંગ યુનિટમાં રેસ્કયુ કરાયું છે. ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો છે. ફાયર બ્રિગેડની અંદાજે ડઝન બંધ ગાડીઓ સ્થાળ પર છે. બારડોલી ડિવિઝનના ડેપ્યુટી એસપી રૂપલ સોલંકીએ ઘટનામાં બે લોકોના મોતની પુષ્ટિ કરી છે.
કહેવાય છે કે બેઝમેન્ટમાં સામાન મૂકયો હતો. બેઝમેન્ટમાં રાખેલા સામાનમાં જ આગ લાગી જેણે ઝડપથી આખી બિલ્ડિંગને ઝપટમાં લઇ લીઝી.
