જકાર્તાઃ ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તા અને પાલેમબેંગમાં શનિવાર સાંજે 5:30 વાગ્યાથી 18મી એશિયન ગેમ્સની શરૂઆત થશે. આ ગેમ્સમાં ભારતના 571 એથ્લીટ્સ ભાગ લેશે. એપ્રિલમાં યોજાયેલી ગોલ્ડકોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં ભારત ત્રીજા નંબરે રહ્યું હતું. ભારતીય પ્લેયર્સે ત્યાં અનેક રેકોર્ડ બનાવ્યા હતા. દેશને આ વખતે પણ પોતાના પ્લેયર્સ પાસેથી એવી જ સફળતાનું પુનરાવર્તન થાય તેવી અપેક્ષા છે. જોકે, અહીં પડકાર મજબૂત હશે. એવામાં એશિયન ગેમ્સ ભારતીય પ્લેયર્સ માટે એક રીતે રીયાલિટી ચેક પણ હશે.
19 ઓગસ્ટથી શરૂ થશે સ્પર્ધાઓ
જકાર્તાના જીબીકે સ્ટેડિયમમાં યોજાનારા ઉદ્ઘાટન સમારોહથી એશિયન ગેમ્સની ઔપચારિક શરૂઆત થશે, જ્યારે 19 ઓગસ્ટથી સ્પર્ધાઓ શરૂ થશે. ઉદ્ઘાટન સમારોહમાં જેવલિન થ્રોઅર નીરજ ચોપડા તિરંગા સાથે ભારતીય દળની આગેવાની કરશે. નીરજે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ગેમ્સમાં પણ તેઓ ભારતને મેડલ અપાવે તેવી આશા છે. એશિયાડમાં ભારત 36 ગેમ્સમાં ભાગ લઈ રહ્યું છે. આ વખતે નવી 10 ગેમ્સ સામેલ કરવામાં આવી છે. ભારત સહિત સાત દેશ ઇન્ડોનેશિયા, જાપાન, ફિલિપિન્સ, શ્રીલંકા, સિંગાપુર અને થાઇલેન્ડે આ એશિયન ગેમ્સમાં ભાગ લીધો છે. એશિયન ગેમ્સનું પ્રસારણ સોની નેટવર્ક ચેનલ્સ પર થશે.
સુશીલ-સાક્ષી પાસેથી પોડિયમ ફિનિશની આશા
ભારત માટે મેડલની અપેક્ષાઓની વાત કરવામાં આવે તો નીરજ ઉપરાંત પહેલવાન સુશીલ કુમાર, સાક્ષી મલિક, બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ પોડિયમ ફિનિશ કરી શકે છે. બોક્સિંગમાં શિવ થાપા, વિકાસ કૃષ્ણા અન સોનિયા લાઠેર મેડલ જીતવામાં સક્ષમ છે. વિકાસની પાસે એશિયન ગેમ્સમાં 2 ગોલ્ડ મેડલ જીતનારા ભારતીય બોક્સર બનવાની તક છે. તેઓ 2010માં ગોલ્ડ મેડલ જીતી ચૂક્યા છે. મનુ ભાકર, અનીશ ભાનવાલ જેવા યુવા અને સંજીવ રાજપૂત જેવા અનુભવી નિશાનબાજ પણ મેડલ જીતવાના દાવેદાર છે.
શટલર્સ પર પહેલો ગોલ્ડ જીતવાની જવાબદારી
પીવી સિંધુ, સાઇના નહેવાલ અને કિદાંબી શ્રીકાંત પર બેડમિંટનમાં દેશ માટે પહેલો ગોલ્ડ જીતવાની જવાબદારી છે. કોમનવેલ્થ ગેમ્સમાં ટેબલ ટેનિસ પ્લેયર મનિકા બત્રાએ ઈતિહાસ રચ્યો હતો. એશિયાડમાં પણ તેમની પાસેથી એવી જ આશા છે. આ ગેમ્સમાં ભારતની પુરુષ હોકી ટીમ હાલની ચેમ્પિયન તરીકે ઉતરી રહી છે. તાજેતરના ફોર્મને જોતા શક્ય છે કે પીઆર શ્રીજેશની કેપ્ટન્સીમાં ટીમ ગોલ્ડ મેડલની સાથે સ્વદેશ પરત આવે. મહિલા ટીમ 1958માં એકમાત્ર ગોલ્ડ જીતવામાં સફળ રહી છે. અગાઉના એશિયાડમાં તેમના ભાગે બ્રોન્ઝ મેડલ આવ્યો હતો. જોકે, રાની રામપાલની કેપ્ટન્સીમાં ટીમ આ વખતે મેડલનો રંગ બદલી શકે છે.
કબડ્ડીમાં ગોલ્ડ મેડલ નક્કી
એશિયન ગેમ્સમાં કબડ્ડીને 1990માં સામેલ કરવામાં આવી. આ ગેમમાં ત્યારથી જ ભારતનો દબદબો રહ્યો છે. કબડ્ડીમાં ભારત અત્યાર સુધી 9 ગોલ્ડ મેડલ જીતી ચૂક્યું છે. આ વખતે એવી જ આશા છે. હાલમાં જ આઈએએફ અંડર-20 ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચનારી રનર હિમા દાસ ઉપર પણ સૌની નજર છે. આસામની રહેનારી હિમા 400 મીટરમાં મેડલની સૌથી મોટી આશા છે.
ઉદ્ઘાટન સમારોહમાં જોવા મળશે ઇન્ડોનેશિયાની સુંદર સંસ્કૃતિ
ઉદ્ઘાટન સમારોહમાં ઇન્ડોનેશિયાના પ્રસિદ્ધ ગાયક અંગગન, રાઇસા, તુલુસ, ઇડો કોનડોલોજિટ, પુત્રી અયુ, ફાતિન, કામાસિએન અને વિયા વાલેન પ્રસ્તુતિ કરશે. આ માટે એક ભવ્ય સ્ટેજ તૈયાર કરવામાં આવ્યો છે. આ સ્ટેજ 120 મીટર લાંબો, 30 મીટર પહોળો અને 26 મીટર ઊંચો છે. તેના બેકગ્રાઉન્ડમાં એક પહાડ દેખાશે, જેના પર ઇન્ડોનેશિયામાં જોવા મળતા ફૂલ અને છોડ દેખાશે. ઉદ્ઘાટન સમારોહમાં કુલ 4000 ડાન્સ પ્રસ્તુતિ કરશે.