બાવળાના ધનવાડા ગામની યુવતી પર ગામના મહિલા સરપંચના પતિએ પ્રેમસંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ બાવળા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. મહિલા સરપંચના પતિએ બળાત્કાર ગુજારતા યુવતીને ગર્ભ રહી ગયો હતો. જેથી આરોપીએ યુવતીનો ગર્ભપાત કરાવી દીધો હતો.
મળતી માહિતી અનુસાર બાવળાના ધનવાડા ગામમાં રહેતી ર૪ વર્ષીય યુવતી ર૦૧૭ના જુલાઇ માસમાં ગામના સરપંચ પારુલબહેન પ્રવીણસિંહ ડોડિયા પાસે સહી-સિક્કાવાળો દાખલો લેવા ગઇ હતી દરમ્યાનમાં ગામનાં સરપંચનો વહીવટ પ્રવીણસિંહ સંભાળતા હોવાથી યુવતીને પ્રવીણસિંહે સહી-સિક્કાની વાતચીત કરી યુવતીનો મોબાઇલ નંબર મેળવી લીધો હતો.
અવારનવાર ફોન પર વાતચીત કરી મારી પત્ની સાથે મને બનતું નથી હું છુટાછેડા લેવા માગું છું અને તારી સાથે લગ્ન કરવા માગુ છું જો તું મને પ્રેમ નહીં કરે તો હું મરી જઇશ તેવી લલચામણી વાતો કરી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી.
અવારનવાર તેણીની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા જેથી યુવતીને ગર્ભ રહી ગયો હતો. ગર્ભ રહી જતા પ્રવીણસિંહે છુટાછેડા બાદ લગ્ન કરી લઇશું તેમ જણાવી ગર્ભપાત કરાવી દીધો હતો.
આ બનાવ બાદ પ્રવીણસિંહે ફોન પર વાત કરવાનું બંધ કરી દીધું હતું યુવતીના ઘેર જાણ થતા તેને ખૂબ માર મારી ઘરમાં કાઢી પણ મુકાઇ હતી. યુવતીએ પ્રવીણસિંહના ભાઇને વાત કરતા તું મારા ભાઇને છોડી દે તારે જે કરવું હોય તે કર તેમ કહી દીધું હતું.
પ્રવીણસિંહના ઘેર યુવતીએ તેમના પત્ની અને પરિવારજનોને વાત કરતા તેઓએ જાતી વિષયક શબ્દો બોલી યુવતીને માર માર્યો હતો. યુવતી પાસે અન્ય કોઇ રસ્તો ન બચતા તેણે બાવળા પોલીસ સ્ટેશનમાં મહિલા સરપંચ અને પરિવાર સામે ફરિયાદ નોંધાવી હતી.
બાવળાના ધનવાડા ગામની મહિલા અને તેના પતિ સામે બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ
Views 59