ગાંધીધામ શહેરનાં ઈફકો રોડથી ભારતનગર જતાં યુવાનને સ્ટર્લિંગ હોસ્પિટલ પાસે બે અજાણ્યા ઈસમોએ છરી બતાડી રોકડ તથા મોબાઈલ ફોનની લૂંટ ચલાવી નાસી ગયા હોવાની ફરીયાદ એ-ડીવીઝન પોલીસ મથકે નોંધાઈ હતી. જ્યારે ગાંધીધામ સંકુલમાં વાહન ચોર બેફામ બન્યા હોય તેમ દરરોજ વાહન ચોરીની ફરીયાદ નોંધાઈ રહી છે. તે વચ્ચે ગાંધીધામમાં વધુ એક બાઈક ચોરી થઈ હોવાની ફરીયાદ પોલીસ ચોપડે ચડી હતી.
યુવકને છરી બતાવી લૂંટી ગયા
આ અંગે ભારતરનગરમાં રહેતા જીગ્નેશ તપોધનની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, ફરિયાદી ગત તા.26/2/2023ના રાત્રિના સાડા બાર વાગ્યાનાં અરસામાં અમદાવાથી ગાંધીધામ બસમાં આવેલા અને ઈફકો પાસે રોડ પર ઉતર્યાં હતા. ઈફકોથી ભારતનગર તરફ સ્ટર્લિંગ વાળા રોડ પરથી પગપાળા ઘરે જતા હતા. તે દરમિયાન પોણા એકાદ વાગ્યાનાં અરસામાં બે અજાણ્યા વ્યક્તિઓ ફરિયાદીને છરી બતાવી કહેલ કે, તારી પાસે કંઈ છે તે આપી દે, જેથી ફરિયાદીએ આનાકાની કરતાં અજાણ્યા ઈસમે છરી મારવાનો પ્રયત્ન કરેલો, પરંતુ તેઓ ખસી જતા તેમને ઈજાઓ પહોંચી ન હતી. ત્યારબાદ બીજા ઈસમે તેમની પાસે રહેલા રોકડા 1700 તથા ઓપો કંપનીના મોબાઈલ ફોનની લૂંટ ચલાવી ત્યાંથી નાસી ગયા હતા. પોલીસે અજાણ્યા બે ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ગાયત્રી મંદિર પાસેથી બાઈક ચોરાઈ
આ અંગે અંજારનાં વિજયનગરમાં રહેતા સાહેલ ગીરીશગીરી ગૌસ્વામીની ફરીયાદને ટાંકીને એ-ડિવિઝને વિગતો આપતા જણાવ્યું હતું કે, તા. 25/10/2022નાં સવારે નવ વાગ્યે ફરિયાદી ઓસ્લો સર્કલની બાજુમાં ગાયત્રી મંદિર પાસે કામ અર્થે ગયા હતા. ત્યારે પોતાની બજાજ કંપનીની કેટીએમ બાઈક દુકાનની બાજુમાં રાખેલી હતી. ત્યારબાદ અગિયાર વાગ્યાના અરસામાં પાર્ક કરેલી જગ્યાએ જોતા બાઈક જોવા ન મળી હોવાનું જણાવ્યું હતું. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ફરીયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.