બહુચરાજીમાં સોમવારે ભાદરવી પૂનમ નિમિત્તે શ્રદ્ધાળુઓ વહેલી સવારથી જ બહુચર માતાજીના દર્શને ઊમટી પડ્યા હતા. મહેસાણા સહિત સમગ્ર ઉ. ગુ. અને અમદાવાદ, ચરોતર પંથકમાંથી 30થી વધુ પગપાળા સંઘે મંદિરે ધજા અર્પણ કરી હતી. દિવભર મંદિર બોલ માડી બહુચર, જય જય બહુચરના જયઘોષથી ગૂંજતું રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કોરોના જતો રહ્યો હોય તેમ લોકો મોઢે માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું ભૂલી ગયા હોય તેવા દ્રશ્યો મંદિરમાં જોવા મળ્યા હતા.
ઊંઝામાં કડવા પાટીદાર સમાજની કુળદેવી ઉમિયા માતાના મંદિરે ભાદરવી પૂનમને સોમવારે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટયું હતું. ઉ.ગુ.ના વિવિધ ગામોમાંથી 50,000થી વધુ ભક્તોએ ઉમિયા માતાના મંદિરે શીશ ઝુકાવ્યુ હતું તેમજ મંદિર સંસ્થા દ્વારા કોરોનાની ગાઈડલાઈન મુજબ દર્શનાર્થીઓ માટે દર્શનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પૂનમના દિવસે ૩૦ થી વધુ પગપાળા સંઘો ઉમિયામાતાના મંદિરે આવી પહોંચ્યા હતા તેમજ ઉમિયા માતા મંદિર સંસ્થા દ્વારા ચાલતી ભોજનાલયમાં 6000 થી વધુ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો.
મરતોલી ખાતે આવેલ કેશર ભવાની ચેહર માતાજીના મંદિરે ભાદરવી પૂનમ નિમિતે વહેલી સવારથી જ દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી હતી. હજારો ભકતોએ માતાજીના દર્શન કરી મંદિરમાં ચાલતા અન્નક્ષેત્રમાં પ્રસાદ નો લાભ લીધો હતો.મંદિર સંસ્થાન દ્વારા કોવિડ ને ધ્યાનમાં રાખી પૂરતી તકેદારી રાખવામાં આવી હતી.