મહેસાણાનાં 19 વર્ષના કિન્નર સાથે ઇન્સ્ટાગ્રામ થકી ગાઢ સંબંધો કેળવી વિશ્વાસ સંપાદન કરીને ગાંધીનગરના આદિવાડા ગામના શખ્સે એક કિલો ચાંદીના છડા, બે તોલાની સોનાની બુટ્ટીઓ, બે તોલાનો સોનાનો દોરો તેમજ દોઢ લાખ રૂપિયા ચાંઉ કરી હાથ અધ્ધર કરી છેતરપિંડી આચરવામાં આવતાં સેકટર – 21 પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ દિલ્હીનો વતની રીતિકા ઠાકુર નામનો કિન્નર હાલમાં મહેસાણાનાં ખેરવા ગામે કેનાલની બાજુના ખેતરમાં રહી મજૂરી કામ કરે છે. છ વર્ષ પહેલા તેણે ઘર છોડી દીધું હતું બાદમાં સુરત બારડોલી વિસ્તારમાં આવેલ નવ દુર્ગા સોસાયટી,મહાવીર સ્કૂલ, મહાકાળી માતાના મંદિરની બાજુમાં આવેલ કિન્નરોના અખાડામાં રહેવા આવી ગયો.જ્યાં તેના ગુરુ પુનમ નાયક હતા. જેમના સંબંધી ભરતજી અજમલજી ઠાકોર અખાડામાં પણ આવતો હતો. તો રિતિકા પણ તેના ગુરૂ સાથે ભરતજીનાં ઘરે ખેરવા આવતો જતો રહેતો હતો. જેથી તેણે ભરતજી ધર્મનો ભાઈ બનાવ્યો હતો. આજ થી દોઢેક વર્ષ પહેલા રીતિકાને ઇન્સ્ટાગ્રામ ઉપર લાલસિંહ શંભુસિંહ ડાભી (રહે. આદિ વાડા) સાથે ફ્રેન્ડશીપ થઈ હતી. અને સમય જતાં બન્ને વચ્ચે ગાઢ સંબંધો પાંગર્યા હતા.
આ દરમ્યાન ગુરુનું અવસાન થતાં રિતિકાને અખાડામાંથી તગેડી મૂકવામાં આવ્યો હતો. જેથી તે ધર્મનાં ભાઈ ભરતજી ઠાકોરના બોર કૂવા પર રહેવા આવી ગયો હતો. અને ગાંધીનગરના લાલસિંહ ડાભી સાથે ગાઢ સંબંધ પ્રસ્થાપિત થયા હોવાથી તેના ઘરે પણ આવતો જતો હતો. ત્યારે ચાર મહિના અગાઉ લાલસિંહ ડાભીએ દેવું બહુ થઈ ગયું હોવાનું જણાવી રીતિકા પાસે પૈસાની માંગણી કરી સાત આઠ મહિના પૈસા પરત કરી દેવાનો વાયદો પણ કર્યો હતો.
આમ લાલસિંહ સાથે ગાઢ સંબંધો હોવાના નાતે રીતિકાએ બે તોલાની સોનાની બુટ્ટી તથા બે તોલાનો સોનાનો દોરો તથા એક કિલો ચાંદીના પગના છડા આપ્યા હતા. અને દાગીના ગિરવે મૂકીને પૈસા લઈ લેવાની વાત કરી હતી. જેનાં થોડા સમય પછી લાલસિંહે ફરીવાર તાત્કાલિક પૈસાની જરૃરીયાત હોવાનું કહેતા રીતિકાએ બચત કરેલા દોઢ લાખ લઈને ઓળખીતા વિરમજી ઝાલા સાથે ખેરવા ગાંધીનગર સમર્પણ ચોકડી આવીને લાલસિંહને આપ્યા હતા.