ગાંધીનગરના સેક્ટર-15 પોલીટેકનીક કોલેજમાં યોજાયેલા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની મલ્ટીપર્પસ હેલ્થ વર્કરની પરીક્ષામાં ખોટા કોલ લેટરનાં આધારે પરીક્ષા આપવા બેઠેલા યુવાનને મોબાઇલ સાથે ઝડપાતા સેક્ટર-7 પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના ચાંદખેડા જીટીયુ યુનિવર્સિટીનાં રજીસ્ટ્રાર નારાયણભાઈ ખેરને ગઈકાલે કોલેજના પરીક્ષા નિયામક ઈન્ચાર્જ વિરલ બોરીસાગરે જાણ કરી હતી કે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની મલ્ટીપર્પસ હેલ્થ વર્કરની ગાંધીનગર સેક્ટર-15, વીપીએમપી પોલીટેકનીક કોલેજ યુનીટ-2માં આવેલા સેન્ટર નં. 10ના બ્લોક નં-4 રૂમ નં-ટી-1માં ચાલી રહેલી પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થી હોલ ટીકીટ(પ્રવેશ પત્ર) ચેડા કરી પરીક્ષા આપતા પકડાયો છે.
જે મામલે તપાસ કરતાં સુરત મ્યુનિસપલ કોર્પોરેશન(એસ.એમ.સી.)ની મલ્ટીપર્પસ હેલ્થ વર્કરની પરીક્ષા ચાલુ હતી. જે દરમિયાન ઉમેદવાર ગોરડ વિપુલ ગોવિંદભાઇ મોબાઇલ સાથે પકડાયેલો હતો. જેની અંગઝડતી કરતા તેના ખિસ્સામાંથી આધાર કાર્ડની બે કલર કોપી મળી આવી હતી. જે બંનેમાં ફોટા અલગ અલગ હોવાથી વધુ પૂછતાંછ કરતાં તેણે પોતાનું સાચુ નામ ચોચા હિતેશ વકમાતભાઇ હોવાનું કહ્યું હતું.
જેની પાસેથી પરીક્ષાના બે પ્રવેશ પત્ર પણ મળી આવ્યા હતા. ઉમેદવારનું નામ અંગ્રેજીમાં વિપુલકુમાર ગોવિંદભાઇ ગોરડની વિગતો હતી. જે બંને પ્રવેશ પત્રમાં અલગ અલગ ફોટા પૈકી એકમાં સાચા ઉમેદવાર વિપુલ ગોરડનો ફોટો તથા બીજામાં પોતાનો ફોટો લગાવેલો હતો. આ ઉપરાંત તેની પાસેથી બે આઈ ફોન પણ મળી આવ્યા હતા. જેથી ગોરડ વિપુલ ગોવિંદભાઇ નામના આધારકાર્ડ તથા પ્રવેશપત્રમાં ચોચા હિતેશ વકમાતભાઇએ પોતાના ફોટા લગાવી ખોટા દસ્તાવેજ બનાવી સુરત મ્યુનિસપલ કોર્પોરેશન(એસ.એમ.સી.)ની મલ્ટીપર્પસ હેલ્થ વર્કરની પરીક્ષામાં સાચાં તરીકે રજૂ કરી પ્રવેશ મેળવી પરીક્ષા દરમિયાન મોબાઇલ સાથે પકડાઈ હોવાથી બંને વિરુદ્ધ ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.