બેરોજગાર પુત્રને પિતાએ પતાવી દીધો:નવસારીના ખેરગામમાં વારંવાર પૈસા માગતાં પુત્રની પિતાએ હત્યા કરી, કુહાડીના ઘા ઝીંકી માથાના બે ફાડ્યા કર્યા
* પુત્રની પૈસા માગવાની હરકતથી પિતા કંટાળ્યો હતો, મધરાતે ઊંઘમાં જ પતાવી દીધો ખેરગામ તાલુકાના નારણપોર ગામે પિતા હેવાન બન્યો હોય તેવી ઘટના સામે આવી છે. જેમાં પિતા ભગુ પટેલે આજે વહેલી સવારે 20 વર્ષીય પુત્ર ગણેશ પર ઊંઘમાં જ ઘાતકી હુમલો કર્યો હતો. કુહાડીના ઘા માથાના ભાગે વાગતાં ઊંઘમાં જ રામ રમી ગયા હતા. જે મામલે ખેરગામ પોલીસને જાણ થતાં દોડતી થઇ હતી.
*હત્યાનું પ્રાથમિક તારણ
હત્યા અંગે પ્રાથમિક તારણની વાત કરવામાં આવે તો પુત્ર ગણેશ બેરોજગાર હતો અને અવારનવાર પિતા પાસે પૈસાની માગણી કરતો હતો. પિતા ભગુ પટેલ લાકડા તોડવાની મજૂરી કરતા હતા. ત્યારે સંભવિત રીતે પિતા ભગુ પટેલ પુત્રની પૈસા માગવાની હરકતથી કંટાળ્યા હતા અને આજે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં પુત્રની હત્યા કરી હતી.
*સંબંધોની ગરિમા લજવાઈ
હાલમાં કળિયુગમાં પિતા-પુત્ર સહિત પરિવારના સંબંધોની ગરિમા લજવાઈ છે. તેને કારણે આવા પ્રકારના બનાવો વધી રહ્યા છે. સમગ્ર ઘટનાક્રમ બનતા જિલ્લામાં અરેરાટી વ્યાપી છે. પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરીને પુત્રની લાશને પીએમ માટે સિવિલ ખસેડી છે.