અંજારમાં યુવાન નોકરીથી ઘરે પરત જતો હતો દરમિયાન પાછળથી બે અજાણ્યા શખ્સોએ યુવાનને છરીના ઘા મારી મોબાઇલની લૂંટ કરી હોવાની ફરિયાદ અંજાર પોલીસ મથકે નોંધાઇ છે. અંજારના મેઘપર બોરીચીમાં રહેતા અને વેલસ્પન કંપનીમાં કામ કરતા મીટુ મુનેન્દ્ર રાજભરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ સાંજે સાડા સાતના અરસામાં ફરિયાદી ખાનગી કંપનીમાં નોકરી કરીને પગપાળા ઘરે જતા હતા. ત્યારે મેઘપર બોરીચીની નવરત્ન રેસિડેન્સી નજીક જાહે૨માર્ગ ૫૨ લૂંટનો બનાવ બન્યો હતો. ફરિયાદી પોતાના સહકર્મી સાથે ફોન પર વાતો કરતા હતા. ત્યારે અચાનક ગાંધીધામ બાજુથી નંબર પ્લેટ વગરની બાઈક ૫૨ બે શખ્સ આવ્યાં હતાં. એક બાઈક ૫૨થી નીચે ઉતરીને ફરિયાદીને હાથના કાંડા પર છરી મારી દીધી હતી. ફરિયાદીના હાથમાં રહેલો ફોન પડી ગયાં બાદ આરોપીઓએ તે ફોન લઈ લીધો હતો. પોતાનો ફોન મેળવવા યુવકે તેમને પકડવા પ્રયાસ કરતાં લૂંટારાએ ફરી તેના ડાબા પડખામાં છરીના બે-ત્રણ ઘા ઝીંકી દીધા હતાં. લૂંટ બાદ બેઉ લૂંટારા બાઈક પર નાસી છૂટ્યાં હતાં. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.