વિન્ડીઝને ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા સામે પરાજયનો સામનો કરવો પડયો
જે હારશે તેની સેમિફાઇનલમાં પ્રવેશવાની સંભાવના નહિવત્ બનશે
આ મુકાબલો બપોરે 3:30 કલાકે રમાશે.
સતત બે પરાજયથી હતાશ થયેલી ડિફેન્ડિંગ ચેમ્પિયન વેસ્ટ ઇન્ડિઝ અને બાંગ્લાદેશ ટી20 વર્લ્ડ કપના સુપર-1 તબક્કાના ગ્રૂપ-1ની લીગ મેચ માટે શુક્રવારે આમનેસામને થશે ત્યારે બંને ટીમો માટે આ મુકાબલો કરો યા મરો સમાન રહેશે. આ મેચમાં હારનાર ટીમની સેમિફાઇનલમાં પહોંચવાની આશા લગભગ પૂરી થઈ જશે. આ મુકાબલો બપોરે 3:30 કલાકે રમાશે. વિન્ડીઝને ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા સામે પરાજયનો સામનો કરવો પડયો હતો. બીજી તરફ બાંગ્લાદેશને ઇંગ્લેન્ડ અને શ્રાીલંકાએ પરાજય આપ્યો હતો. સેમિફાઇનલમાં પહોંચવા માટે બંને ટીમે જીતવું જરૂરી છે.
ટોચના ક્રમના બેટ્સમેનોનું કંગાળ ફોર્મ વિન્ડીઝની મુખ્ય સમસ્યા છે. ઇંગ્લેન્ડની ટીમ માત્ર 55 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કેરેબિયન બેટ્સમેનો ધીમી પિચ ઉપર સિંગલ કે ડબલ રન લેવાના બદલે બોલને બાઉન્ડ્રી લાઇનની બહાર મોકલવાના પ્રયાસમાં વિકેટ ફેંકી દેતા હતા. લેન્ડલ સિમન્સે બીજી મેચમાં ઇનિંગને સ્થિરતા આપી હતી પરંતુ તેણે 35 બોલમાં માત્ર 16 રન બનાવતા બાકીના બેટ્સમેનો ઉપર દબાણ વધ્યું હતું.
વિન્ડીઝે 11મીથી 20મી ઓવર સુધીમાં 64 રનના ગાળામાં આઠ વિકેટો ગુમાવી હતી. બાંગ્લાદેશ સામેની મેચમાં વિન્ડીઝ ટીમ સિમન્સના સ્થાને રોસ્ટન ચેસને રમાડી શકે છે. યુએઇની પરિસ્થિતિ વિન્ડીઝના બિગ હિટર્સ માટે સહેજ પણ યોગ્ય નથી.
બાંગ્લાદેશ ધીમી પિચો ઉપર રમવાનો અનુભવ ધરાવે છે પરંતુ તેનો ફાયદો ઉઠાવી શકી નથી. મોહમ્મદ નઇમ, લિટન દાસ, શાકિબ અલ હસન, મહમુદુલ્લાહ અને મુશફિકુર રહીમ જેવા અનુભવી બેટ્સમેનો છે પરંતુ તેઓ ટીમ તરીકે યોગદાન આપી શક્યા નથી. બોલિંગમાં પણ એક યુનિટ તરીકે પ્રદર્શન થયું નથી.
