અમદાવાદમાં જ્યાં પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે એ પ્રમુખસ્વામી મહારાજનગરમાં 80 હજાર સ્વયંસેવકો સમર્પિત છે. આ બધા વચ્ચે પાલનપુર તાલુકાના ગઢ ગામ નજીક 40 કરોડનું ટર્નઓવર કરતી કંપનીના માલિક પણ બીએપીએસના નગરમાં રાત્રે લાકડી લઈને ચોકીદારી કરે છે. પોટેટો સ્ટાર્ચ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીના 65 વર્ષીય માલિક ચેલાભાઈ ગોઠી પ્રમુખસ્વામી મહારાજ નગરમાં છેલ્લા ત્રીસ દિવસથી સાંજે સાત વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધી ફરજ બજાવી રહ્યા છે.
આશ્ચર્યની વાત એ છે કે તેઓ પહેલા માત્ર 15 દિવસ સેવાકાર્ય કરવાના હેતુથી ત્યાં ગયા હતા, પરંતુ હવે અત્યાર સુધી વિવિધ કામમાં 100 દિવસની સેવા બજાવી બીજાને પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. પહેલાં અહીં 15 દિવસ માટે જ આવવાનું થયું હતું.
જોકે, અહીં રહ્યા બાદ લાગ્યું કે વધુ સેવા કરવી છે. પહેલાં જ્યારે અહીં બ્લોક લગાવવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે સેવા બજાવી. ત્યાર પછી મેં અહીં જુદી જુદી ઘણી કામગીરી કરી અને હાલ છેલ્લા 30 દિવસથી સાંજે સાત વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધી હાથમાં લાકડી લઈને સુરક્ષાની જવાબદારી સંભાળી રહ્યો છું.સુરક્ષાની જવાબદારી નિભાવવાના અનુભવ અંગે તેઓ કહે છે કે, અહીં આખી રાત અંધારી હોય છે. કોઈ જ ચહલપહલ હોતી નથી. આ સ્થિતિમાં મારું પણ ટેલેન્ટ અને મેનેજરિયલ સ્કિલ વધુ નિખરી છે.
આ અંગે બીએપીએસના પાલનપુરના હરિભક્ત વરુણ પંડ્યા ચેલાભાઇ વિશે જણાવે છે કે ઉંમર અને હોદ્દો બંને મોટા હોવા છતાં તેમણે ક્યારેય કોઇ પણ કામમાં નાનમ અનુભવી નથી. પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણા થકી જ તેઓ આ કામ કરી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે પ્રમુખસ્વામી નગર જ્યાં ઊભું છે, તે 600 એકર જમીનની માલિકી ધરાવતા લગભગ 300 ખેડૂતે પ્રમુખસ્વામી મહારાજના જીવન અને કાર્યોથી પ્રેરિત થઈને આ ઉજવણી માટે એક વર્ષ માટે આખી જમીન દાનમાં આપી દીધી હતી. એટલું જ નહીં, તેમણે આ રિ-એમ્બર્સમેન્ટ લેવાનો પણ ઇનકાર કર્યો હતો.