પૂર્વ આઇપીએસને બદનામ કરવાના ગુનામાં પાંચેય આરોપી સેન્ટ્રલ જેલ ભેગા, ચાંદખેડાના બંગલામાં દુષ્કર્મ કરનાર સામે ગુનો નોંધાશે

Views 123

નિવૃત્ત સિનિયર આઈપીએસ અધિકારી વિરુદ્ધ શારીરિક શોષણનો આરોપ લગાવતા સોગંદનામામાં થયેલી છેડછાડનો ખુલાસો થયો છે, પરંતુ આ કેસમાં અનેક રહસ્યો હજુ વણઉકલ્યા છે. ઉચ્ચ પોલીસ અધિકારીના સ્વાંગમાં બે વખત મહિલાનું જાતિય શોષણ કરનારનો ભેદ હજુ અકબંધ છે. નિવૃત્ત સિનિયર આઈપીએસ અધિકારી સામે ઘડાયેલા કાવતરાના મૂળ સુધી પહોંચવા માટે હવે બળાત્કારીને શોધવા પોલીસની ટીમ કામે લાગી છે. આ મામલે ચાંદખેડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરાઈ છે.
ચાર દિવસના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં
એક એફિડેવિટથી સમગ્ર રાજ્યમાં ચકચાર મચી છે. આ સોગંદનામા અંગેની તપાસમાં ગુજરાત એટીએસની ટીમે સમગ્રકાંડ કરનાર ભાજપના નેતા સહિત પાંચ વ્યક્તિની ધરપકડ કરી હતી. બાદમાં આરોપીઓની કસ્ટડી અને આ કેસની તપાસ ગાંધીનગર એસઓજીને સોંપવામાં આવી હતી. એસઓજી દ્વારા પાંચેય આરોપીને સોમવારે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં ચાર દિવસના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.
મહિલા સાથે બે વખત બળજબરીથી સંબંધ બાંધ્યો હતો
ગાંધીનગર પેથાપુર પોલીસ મથકની હદમાં રહેતી મહિલા દ્વારા એવી એફિડેવિટ કરવામાં આવી હતી કે, તેનો વિધર્મી પતિ તેને ચાંદખેડાના એક બંગલામાં લઇ ગયો હતો. જ્યાં 45 વર્ષના એક માણસની હાજરી હતી. મહિલાને પતિએ તેની ઓળખાણ સિનિયર આઇપીએસ અધિકારી તરીકેની આપી હતી અને મહિલાના ભાઇને છોડાવવા આ કથિત અધિકારીએ મહિલા સાથે બે વખત બળજબરીથી સંબંધ બાંધ્યો હતો. આ ઘટના પહેલાં પીડિતા મહિલા ભાજપના નેતા અને બક્ષીપંચ મોરચાના અગ્રણી ગાંડાભાઇ કચરાભાઇ પ્રજાપતિ (જી.કે. દાદા)ના સંપર્કમાં આવી હતી. જી.કે. દાદાએ સુરતના હરેશ જાદવ સાથે મહિલાની ઓળખાણ કરાવી હતી.
મહિલાને ઊંઘની ગોળીઓ ખવડાવી
પેથાપુર પોલીસ મથકની એફઆઇઆર અંતર્ગત મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન વખતે નિવેદન નહીં લખાવી બેભાન થઇ જવાનું અને કોઇ અધિકારીનું નામ નહીં લખાવવા જણાવ્યું હતું. જેના માટે હરેશ જાદવે મહિલાને ઊંઘની ગોળીઓ ખવડાવી હતી. હવે જી.કે. દાદા, હરેશ જાદવ અને મહેન્દ્રસિંહ પરવાર ઉર્ફે રાજુ જેમીનીએ મહિલાની જાણ બહાર તેની એફિડેવિટમાં નવા ફકરા ઉમેરી રાજ્યના સિનિયર આઇપીએસ અધિકારીએ પણ પોતાની સાથે દુષ્કર્મ કર્યું હોવાનું લખાણ લખી દીધું હતું.
આઠ કરોડની માગ કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું
આ ત્રિપુટીએ મહિલાની એફિડેવિટમાં સિનિયર અધિકારીનું નામ ઉમેરી દઇ અધિકારીને બ્લેકમેઇલ કરી તેમની પાસેથી રૂ. આઠ કરોડ પડાવવા માટે દબાણ ઊભું કર્યું હતું. આ ટુકડીએ કાવતરાના ભાગરૂપે અધિકારીઓ પર દબાણ ઊભુ થાય તે માટે આશુતોષ પંડ્યા અને કાર્તિક જાનીની મદદથી સમગ્ર પ્રકરણ મીડિયામાં ચગાવ્યું હતું. આ ઠગ ટોળકીએ બે સિનિયર પોલીસ અધિકારીના નજીકના માણસોનો સંપર્ક કરીને રૂપિયા આઠ કરોડની માગ કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.
​​​​​​​આ પાંચેય આરોપીને એસઓજીની ટીમે ગાંધીનગર કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રીમાન્ડ મેળવ્યા હતા. આજે રીમાન્ડ પૂરા થતાં તમામને કોર્ટમાં રજૂ કરાયા હતા, જ્યાંથી જ્યુડિશિયલ કસ્ટડીમાં સાબરતી સેન્ટ્રલ જેલમાં મોકલવા કોર્ટે હુકમ કર્યો હતો. બીજી તરફ, આ કેસમાં રચાયેલા ષડયંત્રના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે મહિલા પર પોલીસના સ્વાંગમાં બળાત્કાર ગુજારનારા ઈસમ સુધી પહોંચવા અને મહિલાને ન્યાય અપાવવા તજવીજ હાથ ધરી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ બનાવ ચાંદખેડામાં બન્યો હોવાથી આ મામલે ચાંદખેડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવે તેવી શક્યતા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *