પશુઓનું ભારણ ઓછું કરવા બેઠક:પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા ખેડૂતોને વિના મૂલ્યે ગાય અપાશે, રાજ્યપાલે યોજના માટે સૂચનો કર્યા

Views 41

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાતની પાંજરાપોળ અને ગૌ શાળાઓનું પશુઓનું ભારણ ઘટાડવા ગાયની નસલ સુધારવા અને સીમન ટેકનોલોજી અપનાવીને વાછરડીનો જન્મ દર વધારવા તથા ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને વિના મૂલ્ય ગાય આપવા મહત્વના સૂચનો કર્યા હતા. ગાંધીનગરમાં રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં કૃષિ, પશુપાલન અને ગૌ-સંવર્ધન મંત્રી રાઘવજી પટેલ, વરિષ્ઠ અધિકારીઓ અને પાંજરાપોળ-ગૌશાળાના સંચાલકો સાથે મહત્વની બેઠક યોજાઇ હતી.

ગૌ શાળાઓને પ્રોત્સાહન આપવું જોઈએઃ રાજ્યપાલ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આ બેઠકમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કેટલીક પાંજરાપોળ અને ગૌ શાળાઓ ગૌ માતાની સેવા જાણે કે પોતાના માતા-પિતાની કરતા હોય એટલી સારી સેવા કરે છે. આવી પાંજરાપોળો-ગૌશાળાઓને પ્રોત્સાહન આપવું જોઈએ અને જે સંસ્થાઓ ખોટું કરે છે તેમની સામે કડક કાર્યવાહી પણ થવી જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે, ગાયની નસલ સુધરશે, તેની ઉત્પાદન ક્ષમતા વધશે તો ગાય વધુ ઉપયોગી બનશે અને તો જ પાંજરાપોળ-ગૌશાળાનું ભારણ ઓછું થશે.

પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા અનુરોધ
પ્રાકૃતિક ખેતી પદ્ધતિ સંપૂર્ણપણે દેશી ગાય આધારિત ખેતી છે. આ માટે ગૌમૂત્ર અને ગાયનું છાણ-ગોબર જરૂરી છે. પ્રાકૃતિક ખેતી કરતા જે ખેડૂતોને ગાય જોઈએ તે પાંજરાપોળ અને ગૌશાળા વિનામૂલ્યે આપે એવી યોજના બનાવવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ અનુરોધ કર્યો હતો. પ્રાકૃતિક ખેતી પદ્ધતિનો વ્યાપ વધારવા પ્રયત્નશીલ સંસ્થાઓને અનુરોધ કરતાં તેમણે જણાવ્યું હતું કે, જે ખેડૂતોને આવી ગાયો જોઈએ છે, તેની યાદી તૈયાર કરો અને જે તે વિસ્તારની પાંજરાપોળ-ગૌશાળાઓમાંથી ગાયો મેળવવામાં મદદ કરો. જો આવું થશે તો પ્રાકૃતિક ખેતીનો વ્યાપ તો વધશે જ સાથે ગૌમાતા પણ ઘરના ખૂટે જશે. આ માટે યોગ્ય યોજના તૈયાર કરવા તેમણે અનુરોધ કર્યો હતો.

રાજ્યપાલ પ્રચાર અભિયાનમાં સહયોગ આપશે
આચાર્ય દેવવ્રતે વધુમાં ઉમેર્યું હતું કે, વાછરડાના પ્રમાણમાં વાછરડીનો જન્મદર વધારવા પશુ પ્રજનનમાં સેક્સ સૉર્ટેડ સીમન ટેકનોલોજી અપનાવવી જોઈએ અને તેના માટે પશુપાલકોને જાગૃત કરવા જોઈએ. લિંગ વર્ગીકૃત વીર્ય ટેકનીકથી ગૌધનની ગુણવત્તા સુધારશે અને દૂધ ઉત્પાદન પણ વધારી શકાશે. ગુજરાતના પશુપાલકો આ પદ્ધતિ વિશે વધુ માહિતગાર થાય, પશુ ચિકિત્સકો પણ આ માટે તાલીમબદ્ધ થાય અને સમગ્ર રાજ્યમાં આ પદ્ધતિ વ્યાપક બને એવા પ્રયત્નો કરવા તેમણે માર્ગદર્શન આપ્યું હતું. એટલું જ નહીં આ માટે રાજ્યપાલે જાતે પ્રચાર અભિયાનમાં સહયોગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

પ્રશ્નોને સંવેદનાપૂર્વક ઉકેલ લાવવા પ્રતિબંધઃ રાઘવજી પટેલ
આ અંગે કૃષિ, પશુપાલન અને ગૌ-સંવર્ધન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ગૌવંશ, પશુધન અને પાંજરાપોળના પ્રશ્નોનો અત્યંત સંવેદનાપૂર્વક ઉકેલ લાવવા પ્રતિબંધ છે. પાંજરાપોળના સંચાલકો સાથે નિયમિત રીતે બેઠક થતી રહેશે અને પશુ કલ્યાણ માટે જરૂરી તમામ પ્રયત્નો અગ્રતાપૂર્વક હાથ ધરાશે. ગુજરાતમાં વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે અને એ માટે જરૂરી તમામ સહયોગ અને માર્ગદર્શન આપવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે.

પાંજરાપોળના સંચાલકો સહિત ખેડૂત આગેવાનો ઉપસ્થિત
આ બેઠકમાં ગાંધીનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશુ પટેલ, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, રાજ્યપાલના અગ્રસચિવ રાજેશ માંજુ, પશુપાલન અને ગૌસંવર્ધન સચિવ કે. એમ. ભીમજીયાણી, પશુપાલન નિયામક ડૉ. ફાલ્ગુની ઠાકર, ઉચ્ચ અધિકારીઓ, પાંજરાપોળના સંચાલકો અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *