તંત્રના પાપે ઔડાના 169 ગામો નિરાધાર, તંત્રના પાપે આ સુવિધાથી વંચિત

Views 132

મ્યુનિ. વિસ્તારમાં ફાયર બ્રિગેડ આવે છે, બહારનો વિસ્તાર ભરેલો છે
પૈસા અને સંસાધનોના અભાવે ગ્રામ પંચાયતો ઈચ્છા હોવા છતાં મદદ કરી શકતી નથી.

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) વિસ્તારમાં આવતાં 69 ગામો બે બાબતને લઈને ભારે દુવિધામાં મુકાયા છે. આ ગામડાઓમાં પશુઓ ફસાયા હોય, માણસો ફસાયા હોય કે આગ લાગી હોય તો તેને બચાવવા મદદે આવી શકે એવું કોઈ તંત્ર જ નથી! મ્યુનિ. વિસ્તાર હોય તો ફાયર બ્રિગેડ મદદે આવી શકે છે. પરંતુ મ્યુનિ. બહારનો વિસ્તાર રામભરોસે છે.
અમદાવાદ મ્યુનિ. વિસ્તારની બહાર આવેલા 169 ગામો ઔડા વિસ્તારમાં આવે છે. નવા બાંધકામની મંજરી આપવી હોય, ઝોનિંગ નક્કી કરવું હોય કે વિકાસકામોની કોઈ બાબત હોય, ઔડાના નિયમો અને અધિકારો બંધનકર્તા રહે છે. નવા બાંધકામોમાં બેટરમેન્ટ ચાર્જ પણ ઔડા જ લઈ જાય છે. પરંતુ આ ગામો પ્રાથમિક સુવિધાના નામે અમદાવાદ મ્યુનિ. વિસ્તાર કરતાં ઘણા પછાત છે. ખાસ કરીને કોઈ અકસ્માતની ઘટના ઘટે ત્યારે કરુણ પરિસ્થિતિ સર્જાય છે.
ગ્રામ્ય વિસ્તાર હોવાના કારણે નદી, નાળા, ખાડાઓમાં પશુઓ ફસાઈ જવાના અવારનવાર બનાવ બને છે. વળી, આ વિસ્તારોમાંથી રેલવેની બ્રોડગેજ લાઈનો પણ નીકળતી હોવાથી રેલવે લાઈન પર અકસ્માત થતાં રહે છે. આ સમયે રેલવે ટ્રેક પર પડેલાં પરંતુ જીવિત રહી ગયેલા પશુઓને બચાવવા જરૂરી બને છે. આ ઉપરાંત ક્યારેક માણસો પણ વિચિત્ર પરિસ્થિતિમાં ફસાઈ જતાં હોવાના, તળાવ-કુવા કે નદીમાં ડુબતાં હોવાના બનાવો બને છે. આવા વખતે આ તમામને બચાવવા કોઈ આવતું નથી.
ગ્રામજનોને આવી કોઈ ઘટનાની જાણ થાય તો તેઓ ગ્રામ પંચાયતને જાણ કરતાં હોય છે. પરંતુ ગ્રામ પંચાયત પાસે એવા કોઈ સાધન-સરંજામ કે બચાવતંત્ર નથી હોતું કે તેઓ આવેલી આપત્તિમાં મદદરૂપ બની શકે. ગ્રામ પંચાયતો પાસે નાણાકીય જોગવાઈઓ ન હોવાના કારણે તેઓ કોઈ સાધનો વસાવી શકતાં નથી. આવા સમયે અમદાવાદ ફાયર બ્રિગેડની મદદ માંગવામાં આવે છે. ફાયર બ્રિગેડ આવે તો છે પરંતુ મ્યુનિ. બહારની વર્ધી માટે ફાયર બ્રિગેડ જે-તે વ્યક્તિ કે સંસ્થા પાસેથી તેનો નિયત ચાર્જ વસુલે છે.
રખડતું પશુ ફસાયું હોય ત્યારે તેને બચાવવા માટે ફાયરબ્રિગેડ બોલાવાય તો તેને પાંચ-દસ હજારનો ચાર્જ કોણ ચુકવે તે સમસ્યા સર્જાય છે. આથી આફતમાં મુકાયેલા પશુઓને બચાવવા કોઈ મદદે આવતું નથી અને અનેક કિસ્સાઓમાં પશુ મોતને ભેટે છે. ત્યારે ઔડામાં સમાવિષ્ટ ગામોમાં આવું બચાવતંત્ર વિકસાવાય તેવી ગ્રામજનોમાં માંગણી ઉઠી છે. બોપલ-ઘુમા મ્યુનિ.માં ભળ્યું પરંતુ ફાયર સ્ટેશનના ઠેકાણા નહી : સિટીમાંથી ફાયર ફાઇટર મોકલાય છે.
લગભગ એક વર્ષ પહેલાં બોપલ-ઘુમા નગરપાલિકાનો અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં સમાવેશ કરી દેવાયો છે. પરંતુ હજુ સુધી ત્યાં ફાયર સ્ટેશન ફાળવાયું નથી. આથી બોપલ-ઘુમા વિસ્તારમાં જો આગ કે અકસ્માતની ઘટના ઘટે તો થલતેજથી ફાયર ફાઈટર મોકલવામાં આવે છે. દૂરથી ફાયરફાઈટર આવતાં સમય લાગતો હોય છે. આથી ઘટનામાં નુકસાનીનું પ્રમાણ વધી જાય છે. જો બોપલ-ઘુમામાં ફાયર સ્ટેશન હોય તો અનેક ખાનાખરાબી અટકાવી શકાય તેમ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યાં છે. મનીપુરમાં ટ્રેન અડફેટે ગાયોનાં મોત થયેલા, ગાયો ફસાવાના અનેક બનાવો.
ઘુમાથી બે કિ.મી.ના અંતરે આવેલું મનીપુર ગામ ઔડામાં આવે છે. ત્યાંથી પસાર થતી રેલવેલાઈન પર ગાય, વાનર, કૂતરા, જંગલી બિલાડી સહિતના પ્રાણીઓ ટ્રેન અડફેટે આવવાના અવારનવાર બનાવો બને છે. જેમાં પ્રાણીઓના મોત થવાના અને ઈજાગ્રસ્ત થવાના બનાવો બને છે. તાજેતરમાં 11 ગાયોના ટ્રેન અડફેટે મોત થયા હતા અને એક ગાયના ત્રણ પગ ભાંગી ગયા હતા. આવી જ રીતે ગાયો ખાડામાં ફસાઈ જવાના બનાવો બને છે. ત્યારે તેને બચાવવા માટે કોઈ તંત્ર આવતું નથી. ગ્રામજનો પોતાની રીતે પ્રયત્ન કરે છે. પરંતુ સાધન-સરંજામ વગર લાચાર બની જવાય છે. નાછૂટકે કેટલીક ઘટનાઓમાં આવા પ્રાણીઓ મોતને ભેટે છે. ત્યારે જો ઔડા દ્વારા બચાવતંત્ર વિકસાવાય તો આવા પ્રાણીઓને બચાવી શકાય તેમ છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *