ડિઝાસ્ટર કંટ્રોલ રૂમે પાલિકાને સત્વરે જરૂરી કામગીરી કરવા તાકીદ કરી
જિલ્લામાં દિનપ્રતિદિન ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસમાં સતત વધારો
મહેસાણા શહેરમાં આવેલી સવિનય સોસાયટીમાં ડેન્ગ્યુના ચાર કેસ નોંધાતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. જેથી સવિનય સોસાયટીમાં રહેતા એક સ્થાનિકે મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેલા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને આ ડેન્ગ્યુના કેસ અંગેની જાણ કરી હતી, જેમાં તેમણે મહેસાણા નગરપાલિકાને દવાનો છંટકાવ કરવા અને જરૂરી પગલાં ભરવા જાણ કરી હતી.
મહેસાણા જિલ્લામાં દિનપ્રતિદિન ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે શહેરમાં આવેલી સવિનય સોસાયટીમાં પણ એકાએક ડેન્ગ્યુના ચાર કેસ સામે આવતા સોસાયટીના રહીશો ચિંતામય બન્યા હતા. મહેસાણા શહેરમાં આવેલી સવિનય સોસાયટીમાં ચાર કેસ આવ્યા હોવાની માહિતી એક સ્થાનિકે મહેસાણા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં સંપર્ક કરીને આપી હતી. જેને લઈને જરૂરી પગલાં ભરવામાં આવે તેવી સંબંધિત તંત્રને તાકીદ કરવામાં આવી હતી. સોસાયટીમાં તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા ખાસ તપાસ કરી ભરાયેલા પાણીનો નિકાલ કરી દવાનો છંટકાવ કરવામાં આવે તે માટે મહેસાણા નગરપાલિકાને ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ દ્વારા તાકીદ કરવામાં આવી હતી.