કપડવંજ તાલુકાના વણઝારિયા ગામના જવાન હરિશસિંહ પરમાર શહીદ
છેલ્લાં પાંચ વર્ષથી ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા હતા
શહીદ હરીશ પરમારના પરિવારમાં માતાપિતા અને એક ભાઇ
ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના વણઝારિયા ગામના વતની અને ભારતીય સેનામાં ફરજ બજાવતા 25 વર્ષના જવાને જમ્મુ-કાશ્મીરમાં શહાદત વ્હોરી લેતા નાનકડા ગામમાં શોકનો માહોલ છવાયો છે. શહીદ થનાર 25 વર્ષના જવાન હરિશસિંહ રાધેસિંહ પરમાર પાંચ વર્ષ 2016માં ભારતીય સેનામાં જોડાયા હતા.

છેલ્લા 5 વર્ષથી ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા હરિશસિંહ પરમાર જમ્મુ-કાશ્મીરમાં તૈનાત હતા. અહીંના મછાલ સેકટરમાં આતંકવાદીઓ સામેની અથડામણમાં હરિશસિંહ શહીદ થયાનું જાણવા મળ્યું છે. વતન, મા ભોમની રક્ષા કાજે હરિશસિંહે શહાદત વ્હોર્યાની પરિવારજનો, ગ્રામજનોને જાણ થતાં ગામ અને પંથકમાં શોકનો માહોલ છવાયો છે.

શહીદના નશ્વર દેહને આજે હવાઇ માર્ગે અમદાવાદ અને ત્યાંથી વતન વણઝારિયા લાવવામાં આવે તેવી શકયતા છે. શહીદ હરીશ પરમારના પરિવારમાં માતાપિતા અને એક ભાઇ જે સાવ સામાન્ય જીવન જીવે છે.
