યુવતીના પિયર પક્ષના સંબંધો તૂટી ગયા હતા
અખબારનગર વિસ્તારમાં રહેતી યુવતીએ મહિલા હેલ્પલાઇન 181માં ફોન કરી પતિ હેરાન કરતો હોવાથી મદદ માંગી હતી. જેથી હેલ્પલાઇનની ટીમ યુવતીના ઘરે જઈ પુછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે, યુવતીએ ઘરેથી ભાગીને પ્રેમ લગ્ન કરી લીધા હતા. જેથી યુવતીના પિયર પક્ષના સંબંધો તૂટી ગયા હતા. બીજી બાજુ લગ્નના 4 મહિના પછી જ પતિ તું નીચી જાતિની છે તેમ કહી ત્રાસ આપતા અને અવાર નવાર છોકરીઓ સાથે ફોન પર વાતો કરવા લાગ્યો હતો. જેથી યુવતીએ તેના પતિને છોકરીઓ સાથે વાત ન કરવાની વાત કરતા પતિ અવાર નવાર ઢોર માર મારતો હતો એટલુ જ નહીં અવાર નવાર ઘરેથી નિકળી જવાનું કહેતો અને જાતિ વિષયક અપશબ્દો બોલતો હતો.
યુવતીએ માતા-પિતા સહિતના પરીવારનો ત્યાગ કર્યો છે
પતિને બોલાવીને તેમનું કાઉન્સેલીંગ કરતા જણાવ્યું હતું કે, તમને પહેલેથી ખબર હતી કે યુવતી નિચી જાતિની છે તેમ છતા ભાગીને પ્રેમ લગ્ન કર્યા જેના લીધે યુવતીને તેને પિયર પક્ષ સાથે સંબંધ તૂટી ગયા છે યુવતી તમારા પર વિશ્વાસ રાખીને તમારી સાથે ભાગીને આવી છે જો તમે તેની જ સાથે આવુ વર્તન કરો તે યોગ્ય ન કહેવાય, તમારા કારણે યુવતીએ તેના માતા-પિતા સહિતના પરીવારનો ત્યાગ કર્યો છે હવે તમારે તેનું ધ્યાન રાખવુ જોઈએ, કારણ વગર ઝઘડો કરવો જોઈએ નહી, મારઝુડ ન કરવી જોઈએ તથા છોકરીઓ સાથે વાતો કરવાનું બંધ કરી દેવું જોઈએ. આ સાંભળીને પતિને તેની ભૂલ સમજાઈ હતી અને તેણે તેની પત્નીની માફી માંગીને ફરી વખત આવી હરકત નહીં કરુ તેવી બાહેધરી આપી હતી. બીજી બાજુ યુવતીની સાસરી પક્ષને પણ અભયમની ટીમે જાતિ વિષયક અપશબ્દો બોલાવા ના જોઈએ તેમ જણાવીને અભયમની ટીમે કાઉન્સેલીંગ કરીને યુવતીનો ઘર સંસાર ઉઝડતો બચાવ્યો હતો.