ગાંધીનગરનાં સેકટર – 24 ઇન્દિરાનગરમાં બંધ મકાનના તાળાં તોડી તસ્કરોએ ઠંડા ક્લેજે ઘરનો સરસામાન ફેંદી નાખી તિજોરી તોડીને અંદરથી રૂ. 7.43 લાખના સોના ચાંદીના દાગીના ચોરીને સિફતપૂર્વક પલાયન થઈ જતાં સેકટર – 21 પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગરમાં એક પછી એક મિલ્કત સંબંધી ગુનાઓ આચરી ગુનેગારો પોલીસના સબ સલામતનાં દાવાની પોલ ખોલી રહ્યા છે. સેકટર – 24 ઇન્દિરાનગર જેવા ભરચક રહેણાંક વિસ્તારમાં પણ તસ્કરોએ ઘરફોડ ચોરીનાં ગુનાને અંજામ આપી પોલીસના સઘન પેટ્રોલીંગની પોલ બહાર લાવી દેવાઈ છે. સેકટર – 24 ઇન્દિરાનગર મકાન નંબર – 4 માં રહેતા હીતેન્દ્ર કાનજીભાઈ સોલંકી અમદાવાદ સરખેજ ખાતે નેચરોપેથી ડોક્ટરનો અભ્યાસ કરે છે. અને તેના પિતા સાથે સેકટર 7/ડી ખાતે ડીવાઇન યોગા નેચરોપેથથી સેન્ટર નામથી ક્લીનીક ચલાવે છે.
છેલ્લા ચાર માસથી દિવસ દરમ્યાન બન્ને પિતા પુત્ર સેકટર – 4 ખાતેના ઘરે રહે છે તથા રાત્રીના સમયે સેકટર – 3 ખાતેના અ ક્લીનીકમાં રોકાય છે. ગત તા. 26 ફેબ્રુઆરીનાં રોજ સાંજના હિતેન્દ્રના બહેન કવિતા અને બનેવી મિલનકુમાર રાઠોડ (રહે.રખીયાલ તા.દહેગામ) ઉક્ત ક્લિનિકે મળીને સેકટર – 24 માં રોકાવા માટે ગયા હતા.
જ્યારે બીજા દિવસે સવારના સાડા આઠેક વાગે સે.24 ખાતેનુ મકાન લોક કરી ચાવી હિતેન્દ્રને આપતાં ગયા હતા. ત્યારે આજે સવારે પાડોશી કુટુંબી ભાઈએ ઘરનો દરવાજો તૂટેલો હોવાની હિતેન્દ્રને જાણ કરી હતી. આથી પરિવારના બધા ઇન્દિરા નગર દોડી ગયા હતા. જ્યાં ઘરમાં જઈને તપાસ કરતાં દરવાજાનો નકુચો તૂટેલો અને ઘરવખરીનો સામાન વેર વિખેર પડ્યો હતો.
તેમજ છેલ્લાં રૂમમાં રાખેલ તિજોરી પણ તૂટેલી હાલતમાં હતી. જેમાં તપાસ કરતાં તસ્કરો સોનાના દોરા નંગ-3, સોનાની વીંટી નંગ-2, સોનાની કંઠી નંગ-1 ,સોનાની કાનની બુટ્ટીઓ 4 જોડ, સોનાની નાકની નથણી નંગ-4, સોનાના ઓમ ડીઝાઇનના બે પેડલ તેમજ ચાંદીની પાયલ એક જોડ મળીને કુલ રૂ. 7.43 લાખના દાગીના ચોરી ગયાનું જાણવા મળ્યું હતું. જેનાં પગલે હિતેન્દ્રની ફરિયાદના આધારે સેકટર – 21 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.