માનકુવા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ગ્રામીણ વિસ્તારોમાં અલગ અલગ 10 કેબલ ચોરીના ગુનાઓને અંજામ આપતા ઝડપાઇ ચૂકેલા 4 આરોપીઓ સામે માનકુવા પોલીસ સ્ટેશનમાં એલસીબીએ ગેંગનો ગુનો દાખલ કરાવ્યો છે. તાલુકાના ઝૂમખાં-કેરા વાડી વિસ્તારમાંથી ચોરાયેલા કેબલની તપાસમાં માનકુવા પોલીસે 5 ઓગસ્ટના આરોપીઓ જદુરા ગામના મુસ્તાક આમદ નારેજા,યાહવા ઉર્ફે જાવેદ કાસમ થેબા,બશિર કાસમ થેબા અને મોટા રેહાનો જુસબ ઇસ્માઇલ કુંભારને ઝડપી લીધા હતા.જેની પૂછપરછમાં હકીકતો ખુલી હતી.
આ ચોર ટોળકીના રીઢા ગુનેગારોએ કેબલની ચોરીઓ કરી ગેરકાયદેસર રીતે રૂપિયા કમાવવા માટે ટોળકી બનાવી હતી અને પોતાનો કેબલ ચોરીઓનો સમાન ઇરાદો પાર પાડવા માટે અલગ અલગ જગ્યાએથી કેબલના વાયરોની ચોરી કરી કુલ 10 ગુનાઓને અંજામ આપ્યો હતો.માનકુવા પોલીસ સ્ટેશનની હદમાં આરોપીઓએ 3.56 લાખના કેબલ ચોર્યા હતા જેમાં તેઓ પાસેથી 56,500નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.
આરોપીઓ સામે માનકુવા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022 દરમ્યાન અલગ અલગ 10 ફરિયાદ દાખલ થયેલી છે.એલસીબી પીઆઇ સંદીપસિંહ ચુડાસમાએ જણાવ્યું કે,આ ચોર ટોળકીના સભ્યો દ્રારા અગાઉ કેબલ ચોરીના ગુનાઓને અંજામ અપાયો હોઈ તે ગુનાઓ કામે પકડાયેલ ઇસમો વિરુધ્ધ એલસીબીના પીએસઆઈ ટી.બી.રબારીએ સરકાર તરફે ફરીયાદી બની આ ચોર ટોળકીના સભ્યો વિરૂધ્ધ ગેંગ બનાવી સમાન ઇરાદો પર પાડવા માટે ફરિયાદ નોંધાવી છે.