કાલોલના સુથારીયા પરિવારની સુવર્ણ પહેલ:દીકરીના પ્રથમ જન્મદિવસે સમાજ માટે ₹2.25 લાખ નું દાન: SC શ્રેણીની 15 દીકરીઓને ભેટ આપશે એન્ડ્રોઇડ ટેબલેટ
કાલોલ સ્થિત અને અભેટવાના વતની સુથારિયા પરિવાર દ્વારા બે શુભ પ્રસંગોને નિમિત્તે સમાજના શિક્ષણક્ષેત્ર માટે એક નોંધપાત્ર અને સેવાભાવસભર જાહેરાત કરવામાં આવી છે.
શ્રી નિલેશ કે. સુથારિયા તેમની દીકરી અન્વિના પ્રથમ જન્મદિવસ તથા તેમના નાના ભાઈ શ્રી રાકેશ કે. સુથારિયા (હાલ ડેપ્યુટી મામલતદાર) ના જન્મદિવસને અવસર બનાવી પંચમહાલ જિલ્લાના તેજસ્વી દીકરીઓ માટે વિશેષ પ્રોત્સાહન જાહેર કર્યું છે.
આ પ્રસંગે જાહેર કરવામાં આવેલ સમાજસેવા મુજબ —
પંચમહાલ જિલ્લામાં 10મા ધોરણની બોર્ડ પરીક્ષામાં સૌથી વધુ ટકાવારી મેળવનાર અનુસૂચિત જાતિ (SC) ની પ્રથમ 15 દીકરીઓને Samsung કંપનીના એન્ડ્રોઇડ ટેબ્લેટ ભેટરૂપે આપવામાં આવશે.
એક ટેબ્લેટની કિંમત રૂ. 15,000 હોવાથી કુલ મળી રૂ. 2,25,000 નું સમાજ અર્પણ પરિવાર દ્વારા કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ વર્ષ 2022માં, શ્રી રાકેશભાઈની દીકરીના પ્રથમ જન્મદિવસ નિમિત્તે 13 દીકરીઓના સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતાઓ ખુદ શ્રી નિલેશ કે. સુથારિયાએ ખોલાવી આપ્યા હતા, અને ત્યારથી અત્યાર સુધી છેલ્લા ચાર વર્ષથી તમામ ખાતાઓના પ્રીમિયમ નિયમિત ચૂકવતા રહ્યા છે.
સુથારિયા પરિવારને આ સેવાસંસ્કાર તેમના વડીલો પાસેથી મળ્યા છે.
પરિવારના વડા શ્રી કશનાભાઈ લાલાભાઈ સુથારિયા (રિટાયર્ડ તલાટી) અને શ્રીમતી મીનાબેન કશનાભાઈ સુથારિયા (કાલોલ નગરપાલિકાના વર્તમાન કોર્પોરેટર) વર્ષોથી સમાજ સેવા માટે જાણીતા છે. પરિવારો માઁ ખોડિયાર અને માઁ ચામુંડાના ભક્ત તરીકે સમાજ પ્રત્યેની ફરજ નિભાવવા માટે સતત પ્રેરિત રહ્યો છે.
આ સમગ્ર પહેલનો હેતુ સમાજની દીકરીઓને શિક્ષણમાં વધુ પ્રોત્સાહન મળે અને દીકરીઓ ડિજિટલ યુગ માં ટેક્નોલોજીનો ઉપયોગ કરે તેવો છે.
