ગાંધીનગરની અડાલજ નર્મદા કેનાલમાંથી બે દિવસ પહેલા સેકટર – 24 ના પ્રેમી પંખીડાની હાથે દુપટ્ટો બાંધેલી લાશો મળી આવી છે. બંને જણા બે દિવસ ઘરેથી નીકળી જતાં સેકટર – 21 પોલીસમાં પણ સગીરાની માતાએ અરજી આપી હતી. તો બીજી તરફ મેદરા કેનાલમાંથી પણ અજાણ્યા પુરુષની વિકૃત હાલતમાં લાશ મળી આવી છે. આ અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરનાં સેકટર – 24 ના કુમળીવયના પ્રેમી પંખીડાએ ગૃહ ત્યાગ કરી અડાલજ નર્મદા કેનાલમાં જળ સમાધિ લઈ જીવન ટૂંકાવી લીધું છે. ગાંધીનગરના સેકટર – 24 છાપરામાં રહેતા 18 વર્ષીય વિશાલ લાલા ભાઈ ભાટી અને 16 વર્ષીય સગીરા એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા. જેનાં કારણે બે દિવસ અગાઉ બંને પ્રેમી પંખીડા ઘરેથી ભાગી ગયા હતા. બન્ને જણા મોડી રાત સુધી ઘરે પરત નહીં આવતાં પરિવારજનોએ શોધખોળ આદરી હતી. પરંતુ બંનેનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. આખરે સગીરાના માતાએ સેકટર – 21 પોલીસ મથકમાં અરજી પણ આપી હતી.
બે દિવસ પહેલા સગીરાની કેનાલ તરફ પણ શોધખોળ આદરી હતી. ત્યારે આજે સવારે અડાલજ નર્મદા કેનાલમાં એકબીજાને દુપટ્ટો બાંધેલી હાલતમાં લાશો તરતી જોવા મળી હતી. જેનાં પગલે અડાલજ પોલીસ મથકના એએસઆઈ અરવિંદભાઈ સ્ટાફના માણસો સાથે કેનાલ પર દોડી ગયા હતા. બાદમાં ગાંધીનગર ફાયર બ્રિગેડની મદદથી બંને લાશોને કેનાલમાંથી બહાર કઢાવી હતી. અને પોલીસના સોશિયલ મિડિયા ગ્રુપમાં કેનાલમાંથી લાશ મળી હોવાનો મેસેજ કર્યો હતો. જેનાં આધારે મૃતકો સેકટર – 24 ના હોવાની ઓખળ થઈ હતી. આ બનાવનાં પગલે પ્રેમી પંખીડાના પરિવારજનો પણ કેનાલ પર દોડી ગયા હતા. આ અંગે અરવિંદભાઇએ કહ્યું હતું કે બે દિવસ પહેલા બંને જણા ઘરેથી નીકળી ગયા હતા. અને આજે દુપટ્ટો બાંધેલી હાલતમાં અડાલજ કેનાલમાંથી બંનેની લાશ મળી આવી છે. બન્ને પરિવારમાં મોતનો માતમ છવાયો હોવાથી પરિવારજનો ની પૂછતાંછ બાકી છે.
બીજી તરફ બે દિવસ પહેલા ડભોડા પોલીસ મથકની હદમાંથી આવેલી મેદરા કેનાલમાંથી ફાયર બ્રિગેડની ટીમે એકદમ વિકૃત હાલતમાં અજાણ્યા પુરુષની લાશ બહાર કાઢવામાં આવી હતી. આ અંગે અકસ્માતે મોતનો ગુનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.