બંને જહાજના 43 ક્રૂ મેમ્બરને હેમખેમ બચાવી લીધા
MV AVIATOR અને MV ATLANTIC GRACE નામના બે જહાજ વચ્ચે અથડામણ
ભારતીય કોસ્ટગાર્ડે દરિયાઇ પ્રદૂષણનું મૂલ્યાંકન શરૂ કર્યું.
ઓખા નજીક અરબી સમુદ્રમાં બે કાર્ગો શીપ વચ્ચે મોટો અકસ્માત થયો હતો. MV AVIATOR અને MV ATLANTIC GRACE નામના બે જહાજ વચ્ચે અથડામણ થતા મોટી દુર્ઘટના સર્જાઇ હતી. અકસ્માતની જાણ થતાં જ ભારતીય કોસ્ટગાર્ડની ટીમ સમયસર પહોંચી ગઇ અને બંને જહાજના 43 ક્રૂ મેમ્બરને હેમખેમ બચાવી લીધા હતા અને સદનસીબે કોઇ મોટી જાનહાનિ થઇ નથી. પરંતુ ગુજરાતના દરિયાકાંઠે ઓઇલ ઢોળાઇ જવાની હાલ કોઇ સંભાવના નથી છતાંય દરિયાઇ પ્રદૂષણ અંગે ભારતીય કોસ્ટગાર્ડે મૂલ્યાંકન શરૂ કરી દીધું છે.
ભારતીય કોસ્ટગાર્ડની મદદ માગવામાં આવી હતી
ઓખા નજીક અરબી સમુદ્રમાં બે શિપ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. 26મી નવેમ્બરની રાત્રે લગભગ 9:30 વાગ્યે આ ઘટના બની હતી. જોકે કયા કારણસર આ બંને જહાજ વચ્ચે અકસ્માત થયો એ જાણી શકાયું નથી. આ ઘટનાને પગલે બંને જહાજ દ્વારા ભારતીય સુરક્ષા એજન્સીની મદદ માગવામાં આવી હતી.
ભારતના 21 અને ફિલિપાઇન્સના 22 ક્રૂ-મેમ્બરનો આબાદ બચાવ
ટીમે જહાજમાંથી 43 ક્રૂ-મેમ્બરને સુરક્ષિત બચાવી લીધા હતા. તેમાંથી એમવી માય એટલાન્ટિક ગ્રેસ નામના જહાજમાં 21 ભારતીય ક્રૂ-મેમ્બર સવાર હતા, જ્યારે ફિલિપિન્સના માય એવિએટર જહાજમાં 22 ફિલિપિની ક્રૂ-મેમ્બર સવાર હતા.
સદનસીબે જાનહાનિ ટળી, પણ શિપમાં નુકસાન
આ અકસ્માત થતાં બંને શિપમાંથી ઓઈલ ઢોળાઇ સમુદ્રમાં ના ભળે અને જળ પ્રદૂષણ ના ફેલાય એ માટેના પ્રયાસો ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા હાથ ધરવામાં આવ્યા હતા. કોઇ મોટી જાનહાનિ થઇ નથી.