CNGના ભાવ વધતા રિક્ષાચાલકોએ વિરોધ નોંધાવ્યો
હડતાલની ચીમકી ઉચ્ચારતા સામાન્ય લોકો પરેશાન
રિક્ષાચાલકોએ સીએનજી ગેસ પંપ ખાતે એકત્ર થઇ રોષ ઠાલવ્યો
પેટ્રોલ અને ડીઝલમાં કરાયેલા ભાવવધારા બાદ સરકાર દ્વારા ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે સીએનજી ગેસના ભાવમાં ઘટાડો કરવામાં નહીં આવતા વડોદરા શહેરમાં રિક્ષાચાલકોએ આજે વિરોધ નોંધાવી દેખાવો કર્યો હતો. અને જો વહેલી તકે આ ભાવ વધારો ઘટાડવામાં નહિ આવે તો તારીખ 21મીથી અચોક્કસ મુદતની હડતાલ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
રિક્ષા યુનિયનના અગ્રણી સહિત રિક્ષાચાલકોમાં રોષ
જ્યારે રિક્ષાચાલકોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો કર્યા બાદ જો તેમાં ભાવ વધારો પાછો ખેંચવામાં આવે તો સીએનજી ગેસ માં કેમ નહીં. જો વહેલી તકે સીએનજી ગેસમાં કરાયેલ ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો તારીખ 21 નવેમ્બરથી સમગ્ર રાજ્યમાં રિક્ષાચાલકો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જશે તેવી ચીમકી પણ રિક્ષા યુનિયનના અગ્રણી સહિત રિક્ષાચાલકોએ ઉચ્ચારી હતી.
સીએનજી ગેસના ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરી
સમગ્ર રાજ્યમાં પેટ્રોલ ડીઝલ અને ત્યારબાદ સીએનજી ગેસમાં ભાવ વધારો ઝીંકી દેતા આમ આદમીની કમર તૂટી ગઈ છે. જોકે હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે આ મામલે રીક્ષા ચાલકોમાં રોષની લાગણી પ્રસરી ગઇ હતી. તેમને ગુજરાન ચલાવવું મુશ્કેલ બનતાં નવા મુખ્યપ્રધાનને રૂબરૂ મળી રિક્ષાના ભાડામાં વધારો કરવા બાબતે રજૂઆત કરી હતી. અને ભાડામાં વધારો કરી આપ્યો હતો. જોકે ભાડામાં વધારો કરતાં ગરીબ વર્ગના લોકોને રિક્ષામાં મુસાફરી કરવી કપરી બનતા વધુ એક વખત રિક્ષાચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે આજરોજ વડોદરા શહેરના રિક્ષાચાલકોએ સીએનજી ગેસ પંપ ખાતે એકત્ર થઇ સીએનજી ગેસના ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરી હતી.