સાબરકાંઠાના વડાલીમાં રહેતા ડોક્ટરને ખોટી લિંક મોકલી સાયબર ઠગોએ 1.32 લાખની એફડી ઉપાડી લીધી હતી. સાયબર ઠગે AD-SBIINB બલ્ક કેરિયરનો ઉપયોગ કરી છેતરપિંડી આચરી હતી. AD-SBIINB પરથી મેસેજ આવતા ભોગ બનનારને એવુ જ લાગ્યું હતું કે, SBIમાંથી મેસેજ આવ્યો છે. જો કે, ઓટીપી દાખલ કરતા, જ ભોગ બનનારા ડોક્ટરના બચતના 1.32 લાખ ઠગોએ ઉપાડી લીધા હતા. આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ હતી.
મળતી માહિતી મુજબ, વડાલીમાં શ્યામ સુંદર મંદિરની સામે રહેતા અને સગરવાસમાં ક્લિનિક ધરાવતા 62 વર્ષીય ડોક્ટર મુકેશકુમાર ચંદુલાલ મહેતાને કોઈ અજાણે શખ્સે તેમને વિશ્વાસમાં લઈને તેમના મોબાઈલ નંબર ઉપર તેમનું SBI બેન્કનું એકાઉન્ટ અપડેટ કરવા ખોટી લિંક મોકલી આપી હતી. ત્યારબાદ અજાણા શખ્સ દ્વારા SBI બેન્ક દ્વારા ઉપયોગ કરાતા હોય તેવા AD-SBIINB બલ્ક કેરિયરનો ઉપયોગ કરી તેના ઉપરથી ડોક્ટરના મોબાઈલ નંબર ઉપર OTP નંબરો મોકલી તે OTP નંબરો ડોક્ટર પાસેથી મેળવી ડોક્ટરના ફિક્સ ડિપોઝિટ કરેલા રૂપિયાની બે એફ.ડી તોડી પ્રથમ 1 લાખ 7 હજાર 999 તથા ત્યારબાદ 24 હજાર 999 રૂપિયા મળી કુલ રૂપિયા 1 લાખ 32 હજાર 998 રૂપિયા ઉપાડ્યા હતા. ઠગે SBI બેન્ક દ્વારા ઉપયોગ કરવામાં આવતા હોય તેવા AD-SBIINB બલ્ક કેરિયર SMS દ્વારા SBI જેવા લાગતા વળગતા નામનો મેસેજનો ઉપયોગ કરી ખોટા નામે ડોક્ટર સાથે ઠગાઈ કરી હતી. જેને લઈને ડોકટરે વડાલી પોલીસ મથકે પોતાની સાથે થયેલ ઓનલાઈન છેતરપિંડી અંગે ફરિયાદ નોધાવી હતી.