સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ગાંભોઇ-રણાસણ ત્રણ રસ્તા નજીક બીજુડા ગેંગના નાસતા ફરતા બે શખ્સોને ઝડપી પાડી તેમને ગાંભોઇ પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા.
રાજસ્થાનના સરહદી વિસ્તાર ડુંગરપુર, ઉદેપુર અને મહેસાણા તેમજ ગાંધીનગર જિલ્લામાં રાત્રે લૂંટ, ઘરફોડ ચોરી કરતી બીજુડા ગેંગના સાગરીતોને ઝડપી લેવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ગાંભોઇ પોલીસ સ્ટેશનના સરવણા ગામની સીમમાં લુંટની ઘટનાના આરોપીઓ અંગે પો.કો. નિરીલકુમારને બાબતમી મળી હતી કે, રાજસ્થાનના બીજુડા ગેંગનો અગાઉ પકડાયેલા એક આરોપી તથા અન્ય શખ્સ નાસતા ફરે છે. તે બન્ને શખ્સો ગાંભોઇ-રણાસણ ત્રણ રસ્તા નજીક હાઇવે રોડ પર ઉભા રહ્યા છે.
આ બાતમીના આધારે પોલીસે બન્ને શખ્સોને પકડી પુછપરછ કરતા વિજય દેવજી અસારી (રહે.બીજુડા, તા.વિછીંવાડા, જિ.ડુંગરપુર) તથા રાકેશ બેચર કાવા (રહે.બીજુંડા ડુવાફળી, પો.સિસોદ, તા.વિછીંવાડા, જિ.ડુંગરપુર) હોવાનું જાણવા મળ્યું હતું. તેમની વધુ પુછપરછ કરતા તેઓ અગાઉ લુંટ તેમજ ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા હોવાનું જણાવા મળ્યું હતું. તેઓની વધુ પુછપરછ કરતા તેઓએ સરવણા ગામની સીમમાં લૂંટ કરી હોવાનું પણ કબુલ્યું હતું, તેમજ રાકેશ બહેચર ઢુહા માણસા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા હતા. આ બન્ને શખ્સોને પોલીસે ગાંભોઇ પોલીસના હવાલે કર્યા હતા