આઠ પગવાળા બકરીના બચ્ચાના જન્મને લઈ લોકોમાં કુતૂહલ સર્જાયું
સામાન્ય રીતે બકરીને ચાર પગ હોય છે, ક્યારેક એકાદ વધુ પગ પણ જોવા મળે છે. જો કે, મોરબી જિલ્લાના હળવદમાં બકરીએ ઓકટોપસ જેવા લાગતા આઠ પગવાળા બચ્ચાને જન્મ આપતા લોકોમાં કુતૂહલ ફેલાયું છે. આઠ પગવાળા બકરીના બચ્ચાનો જન્મ થયો હોવાની વાત ફેલાતા ગામલોકો માલધારીના ઘર પર પહોંચ્યા હતા. જો કે, કમનસીબે બચ્ચાનું ગણતરીના કલાકોમાં જ મોત નિપજ્યું હતું.
હળવદના ભલગામડા ગામનો બનાવ
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ભલગામડા ગામે રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા વાલાભાઈ ભરવાડની માલિકીની બકરીએ આજે આઠ પગ ધરાવતા બચ્ચાને જન્મ આપ્યો હતો. ઓકટોપસ જેવું લાગતા આ બચ્ચાને જોઈ માલધારી પણ આશ્ચર્યમાં મુકાયો હતો. ગામલોકોને જાણ થતા ગામલોકો આ વિચિત્ર દેખાતા બકરીના બચ્ચાને જોવા માટે પહોંચ્યા હતા.
ભલગામડા ગામના માલધારીની બકરીએ આઠ પગવાળા બચ્ચાને જન્મ આપતા ખુદ માલધારી અને અને ગામલોકો આશ્ચર્યમાં હતા. કારણ કે, બકરીના બચ્ચાને આઠ પગ હોય તે તમામ માટે એક નવી વાત હતી. ગામલોકોને પણ જાણ થતા તેઓ કુતૂહલવશ આ બકરીને બચ્ચાનો જોવા પહોંચ્યા હતા. જો કે, કોઈ કારણોસર જન્મના ગણતરીના કલાકોમાં જ આ વિચિત્ર લાગતા બકરીના બચ્ચાનું મોત નિપજ્યું હતું.